ઈસરોના ‘નાવિક’ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ: ચીન, પાકિસ્તાન પર હવે અંતરિક્ષમાંથી ભારતની નજર રહેશે

ચેન્નાઈઃ ભારતે સ્વદેશી જીપીએસ ટેક્નોલોજી વડે અતિશય મહત્ત્વના એવા NVS-1 સેટેલાઈટનું પ્રક્ષેપણ કરવામાં આજે સફળતા હાંસલ કરી છે. આ કૃત્રિમ ઉપગ્રહની મદદથી ચીન અને પાકિસ્તાનની હિલચાલ પર ભારત ચાંપતી નજર રાખી શકશે.

જીએસએલવી રોકેટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાના એસડીએસસી ખાતેના લોન્ચ પેડ પરથી NVS-01 (Navic)ને લઈને અવકાશ ભણી રવાના થયું હતું. આ સેટેલાઈટને નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સેટેલેશન (NavIC) સર્વિસીસ નામ આપવામાં આવ્યું છે. GSLV-F12 રોકેટનું આ 15મું ઉડ્ડયન હતું.

‘નાવિક’ નેવિગેશન ઉપગ્રહને અંતરિક્ષમાં લોન્ચ કરીને ભારતની કેન્દ્ર સરકાર સંચાલિત અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ એક વધુ સફળતા હાંસલ કરી છે. આ ઉપગ્રહને કારણે અંતરિક્ષમાંથી ભારતની દેખરેખ અને નેવિગેશન ક્ષમતા વધી જશે. ‘નાવિક’ શ્રેણીમાં આ નવો સેટેલાઈટ છે. તેનો ઉપયોગ જીપીએસ સુવિધા પૂરી પાડવા માટે કરાશે. આ સેટેલાઈટ પર પહેલી જ વાર સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત એટમિક ક્લોક ઈન્સ્ટોલ કરવામાં આવી છે.