નવી દિલ્હી – સાત રાઉન્ડની લોકસભાની ચૂંટણીનો આજે બીજો રાઉન્ડ યોજાઈ ગયો. આ બીજા તબક્કામાં 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. મતદાનનો સત્તાવાર સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો હતો ત્યારે સરેરાશ 67.07 ટકા મતદાન થયાનું નોંધવામાં આવ્યું હતું. 11 એપ્રિલે પહેલા રાઉન્ડ વખતે 69.4 ટકા મતદાન થયું હતું. પહેલા રાઉન્ડની જેમ બીજા રાઉન્ડમાં પણ મતદાન એકંદરે શાંતિપૂર્ણ રહ્યું હતું.
આજના રાઉન્ડમાં તામિલનાડુ (38 બેઠકો), કર્ણાટક (14), મહારાષ્ટ્ર (10), ઉત્તર પ્રદેશ (8), આસામ, બિહાર અને ઓડિશા (પાંચ-પાંચ), છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ-ત્રણ, જમ્મુ અને કશ્મીરમાં બે તથા મણીપુર અને પુડુચેરીમાં એક-એક બેઠક પર મતદાન યોજાયું હતું.
સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે – 75.27 ટકા.
રાજ્યવાર જોઈએ તો, પશ્ચિમ બંગાળમાં 75.27 ટકા, મણીપુરમાં 74.69 ટકા, આસામમાં 73.32 ટકા, પુડુચેરીમાં 72.40, છત્તીસગઢમાં 68.70 ટકા, કર્ણાટકમાં 61.80, તામિલનાડુમાં 61.52, બિહારમાં 58.14 ટકા, ઉત્તર પ્રદેશમાં 58.12, ઓડિશામાં 57.41 ટકા, મહારાષ્ટ્રમાં 55.37 ટકા, જમ્મુ અને કશ્મીરમાં 43.37 ટકા વોટિંગ થયું છે.
મતદાનના આજના રાઉન્ડમાં હેમા માલિની (ભાજપ, મથુરા), રાજ બબ્બર (કોંગ્રેસ, ફતેહપુર સીકરી), ભૂતપૂર્વ વડા પ્રધાન અને જેડીએસ પાર્ટીના પ્રમુખ એચ.ડી. દેવગોવડા, કર્ણાટકના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના પુત્ર નિખીલ ગોવડા, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, કેન્દ્રીય પ્રધાનો જિતેન્દ્ર સિંહ, જુઅલ ઓરમ, સદાનંદ ગોવડા, પી. રાધાકૃષ્ણ, ડીએમકે પાર્ટીનાં એ. રાજા, કનીમોઝી જેવા જાણીતા ઉમેદવારોનું ચૂંટણી ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયા છે.
આજે કુલ 95 મતવિસ્તારોમાં લોકો મતાધિકાર હાંસલ કર્યો છે.
મહારાષ્ટ્રમાં આ 10 બેઠકો પર આજે મતદાન યોજાઈ ગયું છે – બુલઢાણા, અકોલા, અમરાવતી, હિંગોલી, નાંદેડ, પરભણી, બીડ, ઉસ્માનાબાદ, લાતુર, સોલાપુર. મહારાષ્ટ્રમાં બે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન – સુશીલકુમાર શિંદે અને અશોક ચવ્હાણ સહિત 179 ઉમેદવારોનું ચૂંટણી ભાવિ ઈવીએમ મશીનોમાં કેદ થઈ ગયું છે.
જમ્મુ અને કશ્મીર રાજ્યમાં શ્રીનગર અને ઉધમપુરમાં મતદાન થયું છે.
ત્રિપુરામાં એક બેઠક માટેનું મતદાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચે 23 એપ્રિલ પર મુલતવી રાખ્યું છે. જ્યારે વેલ્લોર મતવિસ્તારમાં મતદાન રદ કરવામાં આવ્યું છે. અહીં નાણાંનો બેફામ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થતાં ચૂંટણી પંચે નિર્ણય લીધો છે.