મુંબઈઃ જાપાને ભારતમાં જમીન અધિગ્રહણમાં વિલંબને લઇને ચિંતા જાહેર કરતાં જણાવ્યું છે કે તેનાથી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ નિર્ધારિત સમય પર પૂર્ણ નહીં થઈ શકે. જાપાનના કોન્સ્યૂલ જનરલ રયોજી નોડાએ જણાવ્યું કે જમીન અધિગ્રહણ રાજ્ય સરકારોનું કામ છે એટલે તેમાં જાપાન કશું નહી કરી શકે.2022 સુધીમાં મુંબઈ-અમદાવાદ મેટ્રો ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અધિગ્રહણના વિલંબને લઇને પૂર્ણ ન થાય તો તેના વિશે જાપાન કશું કહી શકે તેમ નથી. મુંબઈમાં જાપાનના કોન્સ્યૂલ જનરલ રયોજી નોડાએ આમ જણાવ્યું હતું.તેમણે જણાવ્યું કે ડીસેમ્બર 2018ની ડેડલાઈન મિસ થઈ ગઈ છે પરંતુ 2022 સુધીમાં પ્રોજેક્ટ પૂરો ન થાય તો અમે કશું કહી ન શકીએ. જમીન અધિગ્રહણ માટે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તરફથી જમીન ખરીદી પૂર્ણ કરવામાં આવે તેની રાહ જાપાન જોઈ રહ્યું છે.એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં હજુ આઠેક મહિનાનો વધુ સમય લાગી શકે છે. લોકસભા ચૂંટણીને લઈ 2019 સુધી આ મામલો ખેંચાઈ શકે છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા રાજ્ય સરકારોના સહયોગમાં ગુજરાતમાં 612 હેક્ટર, દાદરા નગર હવેલીમાં 7.5 હેક્ટર અને મહારાષ્ટ્રમાં 246 હેક્ટર જમીન અધિગ્રહણ કરવાની છે. આ પરિયોજના માટે ગુજરાતમાં 5404 લોકોની જમીન આપવી પડશે. જેમાં સૌથી વધુ 1196 લોકો અમદાવાદમાં છે. ત્યારબાદ ખેડામાં 783 લોકો
પોતાની જમીન આપશે. બૂલેટ પરિયોજના સાથે જોડાયેલા સવાલના જવાબમાં ગુજરાતના નાયબ સીએમ નિતીન પટેલે 19 ફેબ્રુઆરીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે જમીન અધિગ્રહણ માટે 32 તાલુકાના 197 ગામડાંની જમીન ચિહ્નિત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ખેડૂતોની સહમતિ સાથેની કુલ 160 હેક્ટર જમીન અધિગ્રહિત થઈ ગઈ છે.જેમાં ખેડૂતોને 620 કરોડનું વળતર પણ ચૂકવાઈ ગયું છે.ઉલ્લેખનીય છે કે જાપાન દ્વારા ભારતમાં બૂલેટ ટ્રેન પરિયોજના સાથે કામ કરનાર લોકો માટે તામીન આપવાનું શરુ કરી દીધું છે. જેમાં ડ્રાઈવર, સિગનલ અને મેન્ટેઇનન્સ વર્કર્સ અને ટ્રેન સંચાલન સાથે જોડાયેલાં અન્ય કર્માચરીઓનો સમાવેશ થાય છે. આ તમામ તાલીમ વડોદરાના ટ્રેનિંગ સેન્ટરમાં આપવામાં આવી રહી છે.