નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની અપીલની અસર દેખાવા લાગી છે. બજારમાં ગ્રાહકો અને દુકાનદાર પણ હવે એ વાત કરવા લાગ્યા છે કે પ્લાસ્ટિકની થેલીઓના દિવસો ગયા, હવે ઘરેથી જ થેલી લઈને આવવું પડશે. 2 ઓક્ટોબરથી સ્થિતિ બિલકુલ બદલાવાની છે. કેન્દ્ર સરકારનો પૂર્ણ પ્રયત્ન છે કે બાપુની જયંતી પહેલા પ્લાસ્ટિક બેગ્સ, પ્લાસ્ટિક કટલરી અને થર્મોકોલથી બનેલી કટલરીનું ઉત્પાદન બંધ થાય. આ મામલે કેન્દ્રએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જાહેર કરી છે. વડાપ્રધાન મોદી 2022 સુધી સિંગલ યુઝ પ્લાસ્ટિકને પૂર્ણ રીતે સમાપ્ત કરવાની વાત કહી ચૂક્યા છે.
આ મામલે પર્યાવરણ મંત્રાલયે આ જ મહિનાની શરુઆતમાં એડવાઈઝરી જાહેર કરી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે સરકારી ઓફિસ, પબ્લિક અને પ્રાઈવેટ કંપનીઓ, ઓફિસોમાં પ્લાસ્ટિકના ઉત્પાદનો જેવાકે કૃત્રિમ ફૂલ, બેનર્સ, ફ્લેગ, ફૂલ મૂકવાની પોટ્સ, પ્લાસ્ટિકની પાણીની બોટલો, પ્લાસ્ટિક સ્ટેશનરી આઈટમ્સ વગેરેનો ઉપયોગ ન કરવામાં આવે.
અત્યારે લોકોમાં એવાતને લઈને અસમંજસ છે કે સિંગલ યૂઝ પ્લાસ્ટિક અંતર્ગત આખરે શું-શું આવે છે. મંત્રાલય જલ્દી જ આની પરિભાષા પણ સ્પષ્ટ કરશે. અત્યારે 24 રાજ્યો અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશોને એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી છે.
સરકારની એડવાઈઝરી અનુસાર ઘણી વસ્તુઓનો ઉપયોગ બંધ થઈ શકે છે. અત્યારે પ્લાસ્ટિક બેગ, પ્લાસ્ટિકની કટલરી, કપ, ચમચી, પ્લેટ સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ થઈ શકે છે. આ સીવાય થર્મોકોલની પ્લેટ, નકલી ફૂલ, બેનર, ફ્લેગ, પ્લાસ્ટિકની પાણીની બોટલ, પ્લાસ્ટિકની સ્ટેશનરી આઈટમ્સ જેવી કે ફોલ્ડર્સ સહિતનો ઉપયોગ રોકવા માટે કહેવામાં આવ્યું છે.
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ઓફિસોમાં દરેક પ્રકારના કચરાને અલગ રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. આ સીવાય રાજ્યોને ટીવી, રેડિયો દ્વારા લોકોને સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગૃતતા ફેલાવવા માટે પણ કહેવામાં આવ્યું છે. લખ્યું છે કે ટૂરિસ્ટ સ્પોર્ટ, ધાર્મિક સ્થળ, બીચ, શાળાઓ, અને કોલેજમાં આનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
હાલ કંપનીઓ પ્લાસ્ટિકના વિકલ્પ પર વિચાર કરી રહી છે અને સરકાર પાસેથી થોડો સમય આપવા ઈચ્છી રહી છે. સરકાર પણ કંપનીઓને સમય આપવા મામલે ના નથી કહી રહી. ફૂડ અને કન્ઝ્યુમર મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે સરકાર યોગ્ય વિકલ્પ મળવા સુધી પાણીની પ્લાસ્ટિક બોટલ્સ પર રોક નહી લગાવે.