રામમંદિરના મામલે આખરી ચૂકાદો 17 નવેમ્બર પહેલાં આવી જશે?

નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ મામલે 26માં દિવસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ મુદ્દે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ તરફથી મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે, તમામે સંયુક્ત પ્રયાસ કરવો પડશે અને પક્ષકારો સમજૂતી કરીને અદાલતને જણાવે. આ કેસની સુનાવણી 18 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થવાની આશા છે. 27 સપ્ટેમ્બર સુધી મુસ્લિમ પક્ષકાર પોતાની દલીલ પૂર્ણ કરી લેશે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિે તમામ પક્ષોને પૂછ્યું કે, તેઓ કેટલા-કેટલા દિવસોમાં પોતાની રજૂઆત પૂરી કરી લેશે. બંધારણીય પીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે, જો એક વાર તમામ પક્ષ એ જણાવી દે કે કેટલો સમય લાગશે તો અમને પણ ખબર પડી જશે કે ચુકાદો લખવા માટે કેટલો સમય મળશે.

 

ઉલ્લેખનીય છે કે, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ વર્ષે 17 નવેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. જેથી બંધારણીય પીઠ વર્ષો જૂના આ વિવાદ પર તેમની નિવૃત્તિ પહેલા ચુકાદો સંભળાવી શકે છે. મુસ્લિમ પક્ષ તરફથી વરિષ્ઠ વકીલ રાજીવ ધવને રજૂઆત કરતાં કહ્યું હતું કે વિવાદાસ્પદ સ્થળથી મળેલા થાંભલા પર જોવા મળેલા નિશાનોથી એ સાબિત નથી થઈ શકતું કે તે ઈસ્લામિક નથી. ધવને કહ્યું કે મસ્જિદો માત્ર મુસલમાનો દ્વારા નથી બનાવવામાં આવી. તાજમહલનું નિર્માણ માત્ર મુસલમાનોએ નહોતું કર્યુ. તેમાં મુસ્લિમ અને હિન્દુ બંને સમુદાયોના મજૂર સામેલ હતા.

ચીફ જસ્ટિસની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચે બુધવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેમને મધ્યસ્થતા પેનલ તરફથી પત્ર મળ્યો છે, જેમાં એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે કેટલાક પક્ષ હજુ પણ મધ્યસ્થતા કરવા માંગે છે, જો એવું છે તો તેની પર આગળ વધી શકાય છે. જોકે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરી દીધું કે આ દરમિયાન મામલાની રોજેરોજ સુનાવણી બંધ નહીં થાય, પરંતુ સુનાવણી આવી જ રીતે ચાલતી રહેશે. સાથોસાથ કોર્ટે ભરોસો આપ્યો કે મધ્યસ્થતાની પ્રક્રિયા સમગ્રપણે ગોપનીય રહેશે.