અયોધ્યાઃ રામ જન્મ ભૂમિ સ્થળ અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ શિયા વક્ફ બોર્ડ પાંચ એકર જમીન પર પ્રભુ રામ ચિકિત્સાલય બનાવડાવશે. આ ચિકિત્સાલયમાં મંદિર, મસ્જિદ, ગિરજાઘર અને ગુરુદ્વારા પણ બનાવવામાં આવશે. આ મામલે બોર્ડ દ્વારા સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડનું માનવું છે કે આ હોસ્પિટલ સમાજના તમામ વર્ગોને કામ લાગશે. હોસ્પિટલનું નિર્માણ ભગવાન રામના નામ પર થશે. શિયા વક્ફ બોર્ડના સભ્ય અશફાક જિયાએ મહાપૌર ઋષિકેશ ઉપાધ્યાય અને ગોસાઈગંજના ધારાસભ્ય ઈન્દ્રપ્રતાપ તિવારી ઉર્ફ ખબ્બૂ સાથે મુલાકાત કરી આ મામલે ચર્ચા કરી.
તો શહેરની વક્ફ સંપત્તિઓના નવીનિકરણની પણ માંગ કરવામાં આવી. અશફાક જિયાએ સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને રાજધાનીમાં બુધવારના રોજ થયેલી શિયા વક્ફ બોર્ડની બેઠક મામલે પણ મહાપૌર અને ધારાસભ્યને જાણકારી આપી તેમજ મંદિર બનાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું. વક્ફ બોર્ડ આ આદેશ વિરુદ્ધ રિવ્યૂ ન દાખલ કરવાનો નિર્ણય કરી ચૂક્યું છે. એપણ નક્કી કરવામાં આવ્યું કે જો સુન્ની વક્ફ બોર્ડ જમીન ન લે તો, શિયા વક્ફ બોર્ડ સરકાર પાસેથી આ જમીનની માંગ કરશે, જેમાં પ્રભુરામ ચિકિત્સાલય અને સર્વધર્મસ્થાન બનાવવામાં આવશે.
શિયા વક્ફ બોર્ડની બુધવારના રોજ થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, સુન્ની વક્ફ બોર્ડ જો કોઈ કારણોસર પાંચ એકર જમીન લેવાની ના પાડે તો તે આના માટે દાવેદારી કરશે. બોર્ડ ત્યાં એક હોસ્પિટલ બનાવવાનો પ્રસ્તાવ મૂકી શકે છે. શિયા વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવીની અધ્યક્ષતામાં બુધવારના રોજ થયેલી બેઠકમાં કુલ સાત સભ્યો પૈકી પાંચ સભ્યો હાજર રહ્યા હતા. તમામ સભ્યોને જણાવવામાં આવ્યું કે 1946 માં શિયા વક્ફ બોર્ડ જે કેસ હાર્યું હતું, તેની અપીલ સુપ્રીમ કોર્ટમાં 71 વર્ષ બાદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અપીલ મોડા દાખલ કરવાના કારણે ફગાવી દીધી હતી. બેઠકમાં એપણ નક્કી થયું કે સુપ્રીમ કોર્ટના નિર્ણ વિરુદ્ધ બોર્ડ પુનર્વિચાર અરજી દાખલ નહી કરે.