નવી દિલ્હીઃ અતિ રસપ્રદ બની ચૂકેલી લોકસભા ચૂંટણી-2019માં આજે સાતમા અને અંતિમ ચરણનું મતદાન સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયું છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ, મતદાન 60.21 ટકા રહ્યું છે. સાત રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ મળીને 59 સીટ પર આજે મતદાન થયું છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત 918 ઉમેદવારો ચૂંટણીમાં જીતશે કે હારશે એનો ફેંસલો થઈ થશે. તમામ ચરણના મતોની ગણતરી 23 મેના ગુરુવારે હાથ ધરવામાં આવશે અને એ જ દિવસે પરિણામ જાહેર કરાશે.
આજના રાઉન્ડમાં 7 રાજ્યો – ઉત્તર પ્રદેશ (13 બેઠક), પંજાબ (13), પશ્ચિમ બંગાળ (9), બિહાર (8), મધ્ય પ્રદેશ (8), ઝારખંડ (3) અને હિમાચલ પ્રદેશ (4) તથા કેન્દ્રશાસિત પ્રદેશ ચંડીગઢમાં એક બેઠક પર મતદાન યોજવામાં આવ્યું હતું.
આજના રાઉન્ડમાં આશરે 10 કરોડ 10 લાખ જેટલા લોકોને વોટિંગ કરવાનો અધિકાર પ્રાપ્ત થયો હતો. આ રાઉન્ડમાં 918 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતા.
સાંજે 6 વાગ્યે સરેરાશ 60.21% મતદાન થયું
બિહાર – 49.92%
હિમાચલ પ્રદેશ – 66.18%
મધ્ય પ્રદેશ – 69.38%
પંજાબ – 58.81%
ઉત્તર પ્રદેશ – 54.37%
પશ્ચિમ બંગાળ – 73.05%
ઝારખંડ – 70.05%
ચંડીગઢ – 63.57%
આ તમામ રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એકલા પશ્ચિમ બંગાળમાં જ સુરક્ષા દળોની 710 ટૂકડીઓને તહેનાત કરવામાં આવી છે, કારણ કે આ રાજ્યમાં ચૂંટણીના પાછલા તમામ તબક્કાઓમાં ઘણી હિંસા થઈ હતી.
આજે સવારે વહેલા જઈને મતદાન કરનાર જાણીતી હસ્તીઓમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયનો સમાવેશ થાય છે. આદિત્યનાથે ગોરખપુરમાં મતદાન કર્યું હતું. ગોરખપુરમાં ભાજપના ઉમેદવાર છે ભોજપુરી એક્ટર રવિ કિશન. નીતિશ કુમારે પટનામાં રાજભવન સ્થિત પોલિંગ બૂથમાં, રવિશંકર પ્રસાદે પટનામાં, વિજયવર્ગીયએ ઈન્દોરમાં મતદાન કર્યું હતું.
સાતમા તબક્કાના આ મતદાનમાં કેટલાક જાણીતા ચહેરાઓ છે કે જેમનું ચૂંટણી ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (વારાણસી-યુપી), અનુપ્રિયા પટેલ (મિરઝાપુર-યુપી), રવિશંકર પ્રસાદ (પટનાસાહિબ-બિહાર), શત્રુધ્ન સિન્હા (પટનાસાહિબ), મનોજ સિન્હા (ગાજીપુર, ઉત્તર પ્રદેશ), હરદીપસિંહ પુરી (અમૃતસર-પંજાબ), આર.કે સિંહ, કેન્દ્રીય રાજ્ય પ્રધાન (આરા-બિહાર), સની દેઓલ (ગુરદાસપુર-પંજાબ) જેવા અનેક જાણીતા નેતાઓનું ચૂંટણી ભાવિ આજે ઈવીએમમાં સીલ થઈ ગયું છે.