સિકંદરાબાદની હોટેલમાં આગ લાગતાં 8નાં મરણ

સિકંદરાબાદ (તેલંગણા): આ શહેરમાં એક ઈલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં ભીષણ આગ લાગતાં તેની બાજુમાં જ આવેલી એક લક્ઝરી બહુમાળી હોટેલનાં આઠ જણનાં કરૂણ હાલતમાં મરણ થયા છે. દુર્ઘટનામાં અમુક જણ ફસાઈ ગયાની પણ સંભાવના છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક સ્કૂટર શોરૂમના ચાર્જિંગ પોઈન્ટમાં લાગેલી આગની જ્વાળાઓએ મકાનમાં આવેલી યાત્રી-ઈન હોટેલના માળને પણ ભરડો લીધો હતો. ધૂમાડો ફેલાતાં હોટેલનાં ગભરાઈ ગયેલાં લોકોએ બારીઓમાંથી નીચે કૂદકો માર્યો હતો.

ઘટનાની જાણ થયા બાદ પોલીસો અને અગ્નિશામક દળના જવાનો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આસપાસમાં રહેતાં લોકોએ પણ દોડી જઈને આગમાં ફસાયેલાં કેટલાક લોકોને બચાવ્યા હતા. આગને કારણે સમગ્ર પરિસરમાં ખૂબ જ ધૂમાડો પ્રસરી ગયો હતો. નજીકમાં જ સિકંદરાબાદ રેલવે સ્ટેશન આવેલું છે. આગ કેવી રીતે લાગી તેની પોલીસ તપાસ કરી રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના કાર્યાલયના ટ્વિટર હેન્ડલ મારફત આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોનાં સ્વજનો તથા ઈજાગ્રસ્તો માટે આર્થિક મદદની જાહેરાત કરી છે.