નૂંહઃ કોંગ્રેસના વિધાનસભ્ય મામન ખાનને પોલીસે ધરપકડ કરી છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. તેમની ધરપકડ બાદ નૂંહ વહીવટી તંત્રે જિલ્લામાં કલમ 144 લગાવી દીધી છે અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. તંત્રએ લોકોને શુક્રવારે નમાઝ ઘરમાં જ અદા કરવાની અપીલ કરી છે, એમ ત્યાંના એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે.
હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ હિંસા ફાટી નીકળી હતી. હિંસા ફેલાવવાના આરોપમાં પોલીસે મોડી રાત્રે ફિરોઝપુર-ઝિરકાથી કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ કરી છે. ડીએસપી સતીશ કુમારે જણાવ્યું કે ખાનની રાજસ્થાનમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.ખાન પર હિંસા દરમિયાન તોફાનીઓના સંપર્કમાં હોવાનો આરોપ છે. આ સિવાય તેના પર સોશિયલ મિડિયા પર ભડકાઉ પોસ્ટ કરીને હિંસા ફેલાવવાનો આરોપ છે. પોલીસે મામન ખાનને બે વાર નોટિસ આપી અને પૂછપરછ માટે બોલાવ્યા, પરંતુ તે તપાસમાં હાજર થયા નહીં. મામને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને હિંસા કેસની નિષ્પક્ષ તપાસ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગ કરી હતી.
નૂહ હિંસામાં સાત લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પહેલાં નૂહ હિંસાના આરોપી મોનુ માનેસરની મંગળવારે હરિયાણા પોલીસે ધરપકડ કરી હતી. નૂહ કોર્ટે તેને રાજસ્થાન પોલીસની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. રાજસ્થાનના રહેવાસી નાસીર-જુનૈદની હત્યા કેસમાં પણ મોનુનું નામ સામે આવ્યું હતું.