રાહુલ ગાંધીનો મહારાષ્ટ્ર સરકારને પડકાર

મુંબઈઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વવાદી સ્વ. વીર સાવરકરને લક્ષ્ય બનાવવાનું આજે ચાલુ રાખ્યું હતું અને કહ્યું કે સાવરકરે બ્રિટિશ શાસકોને મદદ કરી હતી અને ડરના માર્યા એમને દયાની અરજીનો પત્ર લખ્યો હતો. રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં શિંદે-ભાજપની સંયુક્ત સરકારને પડકાર પણ ફેંક્યો છે કે એનામાં હિંમત હોય તો કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રાને અટકાવી બતાવે. આ યાત્રા હાલ મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે.

અકોલા જિલ્લાના વડેગાંવમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ સરકારી રેકોર્ડ્સમાંથી જ 1920ની સાલના દસ્તાવેજો પત્રકારોને બતાવ્યા હતા. એમણે દાવો કર્યો હતો કે આ દસ્તાવેજોમાં એક પત્ર પણ છે જે સાવરકરે બ્રિટિશ શાસકોને લખ્યો હતો. રાહુલે કહ્યું, ‘હું એમાંની છેલ્લી લાઈન વાંચી સંભળાવું છું, એમાં લખ્યું છે – હું તમારો સૌથી આજ્ઞાકારી સેવક બની રહેવા માગું છું’ અને તેની નીચે વીર સાવરકરના હસ્તાક્ષર છે, આ જ બતાવે છે કે એમણે બ્રિટિશરોને મદદ કરી હતી.’