નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યપ્રધાન અદેલ અલ જુબૈર ફક્ત ચાર કલાક માટે ભારત યાત્રા પર આવ્યાં હતાં. તેઓ સોમવારે રાત્રે નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. બાદમાં તેઓ વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ સાથે બેઠક કરી પરત જવાનો કાર્યક્રમ હતો.. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 20 દિવસોમાં ભારત સાથે આ તેમની ત્રીજી વાતચીત હતી. જેને લઈને તેમની ભારત યાત્રા પર ઘણાંની નજર હતી.
ગત સપ્તાહે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ પર હતો ત્યારે અદેલ અલ જુબૈરે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ જાહેરાત કરી હતી કે મોહમ્મદ બિન સલમાનના એક મહત્વપૂર્ણ સંદેશા સાથે અલ જુબૈર 1 માર્ચે ઇસ્લામાબાદનો પ્રવાસ કરશે. જોકે જુબૈર અબુધાબી પરત ગયાં હતાં. જાણકારી મળી છે કે સુષ્મા સ્વરાજ સાથે નાની મુલાકાત પછી સાઉદી અરેબિયાએ ભારતના વિદેશપ્રધાન સાથે વાતચીત માટે 2 માર્ચે નવી દિલ્હી આવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન ઓછું કરવા માટે ખાડી દેશનો પ્રયત્ન હતો. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે તેને કોઈ મધ્યસ્થીની જરુર નથી.ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે તનાવભરી સ્થિતિનું કારણ આતંકવાદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની જરુર નથી. પાકિસ્તાન પોતાની ધરતી ઉપર ચાલી રહેલા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરે, તે જરુરી છે.ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ક્રાઉન પ્રિન્સ સલમાનના પ્રવાસ દરમિયાન થયેલી વાતોને જ આગળ વધારવી યોગ્ય રહેશે, ભારત-પાકિસ્તાનને લઈને કોઇ વાતચીત થશે નહીં.