મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વમાં ગઠબંધન સરકાર બન્યા બાદ હવે પાર્ટી તેના જૂના મિત્ર રહી ચૂકેલી ભાજપને વધુ એક ઝટકો આપવા તૈયારી કરી રહી છે. શિવસેના પ્રવક્તા અને રાજ્યસભામાં સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ ઇશારો કરતા કહ્યું કે, ગોવામાં એક નવું રાજકીય સમીકરણ આકાર લઈ રહ્યું છે. અને ટુંક સમયમાં જ મહારાષ્ટ્રની જેમ જ ગોવામાં પણ ચમત્કાર જોવા મળી શકે છે. આ પહેલા રાઉતે ટ્વિટ દ્વારા ભાજપ પર કટાક્ષ કર્યો હતો.
મીડિયા સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે, ‘ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ડે. સીએમ વિજય સરદેસાઈ પોતાના ત્રણ ધારાસભ્યો સાથે શિવસેના સાથે ગઠબંધન કરવા જઈ રહ્યા છે. જેથી મહારાષ્ટ્રની જેમ જ ગોવામાં એક નવો રાજકીય ફ્રંટ આકાર લઈ રહ્યો છે.
રાઉતે કહ્યું કે, આવા ચમત્કાર હવે દેશભરમાં જોવા મળશે. મહારાષ્ટ્ર બાદ ગોવાનો નંબર છે. ત્યારબાદ અમે અન્ય રાજ્યોમાં પણ જઈશું. અમે દેશમાં ગેરભાજપ રાજકીય ફ્રંટ બનાવવા માગીએ છીએ. મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે 1989માં ગઠબંધન થયું હતું પરંતુ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમત મળ્યા પછી પણ મુખ્યમંત્રી પદની ડિમાન્ડને લઈને બંને વચ્ચેની મિત્રતા તૂટી ગઈ હતી.
આ બધા વચ્ચે શિવસેનાએ પોતાના એક સમયના કટ્ટર હરિફ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર રચતા રાઉતે ખુશી વ્યક્ત કરી હતી. અને તેમણે ટ્વિટર પર એક શેર લખી ભાજપ પર નિશાન સાધ્યું હતું. રાઉતે પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરતા કહ્યું કે, હમ શતરંજ મેં કુછ એસા કમાલ કરતે હૈં, કિ બસ પૈદલ હી રાજા કો માત કરતે હૈં. જોકે રાઉતે પોતાના ટ્વિટમાં કોઈનું નામ નથી લીધું.