સનાતન ધર્મનું અપમાનઃ ઉદયનિધિ, રાજા, તામિલનાડુ સરકારને SCની નોટિસ

નવી દિલ્હીઃ સનાતન ધર્મને નાબૂદ કરવાની હાકલ કરતી ટિપ્પણી કરવા બદલ તામિલનાડુના પ્રધાન અને શાસક ડીએમકે પાર્ટીના નેતા ઉદયનિધિ સ્ટાલિન, પાર્ટીના અન્ય નેતા એ. રાજા અને તામિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટે આજે નોટિસ ફટકારી છે. ન્યાયમૂર્તિઓ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ. ત્રિવેદીની બનેલી બેન્ચે તામિલનાડુના સંસદસભ્યો – થોલ થિરુમાવલન અને થિરુ સુ વેંકટેશન, તામિલનાડુ રાજ્યના પોલીસ વડા, ગ્રેટર ચેન્નાઈના પોલીસ કમિશનર, કેન્દ્રિય ગૃહ મંત્રાલય, હિન્દૂ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડાઉમેન્ટ વિભાગ માટેના પ્રધાન પી.કે. શેખર બાબુ, તામિલનાડુ રાજ્ય લઘુમતી પંચના ચેરમેન પીટર અલ્ફોન્સ તથા અન્યોને પણ નોટિસ મોકલી છે.

આ કેસ ચેન્નાઈના વકીલ બી. જગન્નાથે કર્યો છે. એમની વતી હાજર થયેલા એડવોકેટ બાલાજી ગોપાલને ન્યાયાધીશો સમક્ષ એવી દલીલ કરી હતી કે કોઈ સાધારણ વ્યક્તિએ કમેન્ટ કરી હોત તો સમજી શકાત, પરંતુ અહીં તો એક રાજ્યની સરકારે એની યંત્રણાને આવા નિવેદનો કરવાની છૂટ આપી છે. સનાતન ધર્મની વિરુદ્ધ બોલવા વિદ્યાર્થીઓને ભડકાવતા સર્ક્યૂલર ઈસ્યૂ કરવામાં આવ્યા છે. એક બંધારણીય પદાધિકારી આવું બોલે તે ચલાવી ન લેવાય. બીજું, કોઈ પણ ધર્મ વિરુદ્ધ બોલવાની વિદ્યાર્થીઓને ફરજ પાડી ન શકાય. સુપ્રીમ કોર્ટ ઉદયનિધિ સ્ટાલિન તથા અન્યોને આદેશ આપે કે તેમણે ભવિષ્યમાં સનાતન ધર્મ વિરુદ્ધમાં આવી કમેન્ટ ફરીવાર કરવી નહીં.

અરજદારે કોર્ટને અપીલ કરી છે કે તે તામિલનાડુ રાજ્યના પોલીસ વડા પાસેથી એ જાણવા માટે અહેવાલ મગાવે કે ઉદયનિધિએ જ્યાં અપમાનજનક નિવેદન કર્યું હતું તે પરિષદ યોજવાની પોલીસે પરવાનગી કઈ રીતે આપી અને તે કાર્યક્રમ માટે જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થા વિરુદ્ધ પોલીસે કોઈ પગલું કેમ ભર્યું નહીં.