નવી દિલ્હી- લોકસભા ચૂંટણીની વચ્ચે વિપક્ષોની આલોચનાઓનો સમાનો કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે રશિયાથી એક સારી ખબર આવી છે. નરેન્દ્ર મોદીને વિશ્વનું વધુ એક સન્માન પ્રાપ્ત થયું છે. રશિયાએ વડાપ્રધાન મોદીને તેમનું સર્વોચ્ચ નાગરિક સન્માન- સેન્ટ એન્ડ્રયૂ એવોર્ડ આપવોના નિર્ણય કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોમાં વડાપ્રધાન મોદીને મહત્વના આંતરરાષ્ટ્રીય સન્માન મળી ચૂકયા છે. તાજેતરમાં જ યુએઈ પણ પીએમ મોદીને ઝાયેદ એવોર્ડથી સન્માનીત કર્યા હતાં.
રશિયન દૂતાવાસે તેમના એત સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, 12 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેન્ટ એન્ડ્રયૂ એવોર્ડ એટલે કે, રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપાવનો નિર્ણય કર્યો છે. ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહિત કરવામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ વડાપ્રધાન મોદીને આ સમ્માન માટે પસંદ કરવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદીએ રશિયા તરફથી સર્વોચ્ચ નાગરિક સન્માન આપવા બદલ રશિયન સરકાર અને રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ ગરિમાપૂર્ણ પુરસ્કાર આપવા બદલ આભાર. રશિયા અને ભારતની દોસ્તીના મુળ ખુબજ ઊંડા છે. આપણી ભાગીદારીનું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ છે. બંન્ને રાષ્ટ્રો વચ્ચે સહયોગ આપણા નાગરિકો માટે અપ્રત્યાશિત પરિણામ લઈને આવશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન મોદી આ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન હશે. આ પહેલા આ સન્માન ચીનના રાષ્ટ્રપતિ ઝિંગપિંગને પણ મળી ચૂક્યો છે.