કોંગ્રેસના હોબાળા વચ્ચે RTI સુધારા બિલ પાસ, કાયદો નબળો કરાયો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: લોકસભામાં માહિતીનો અધિકાર (RTI) સુધારા બિલ-2019 પાસ થઈ ગયું છે. આ પહેલા લોકસભામાં કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોના જોરદાર વિરોધ વચ્ચે નરેન્દ્ર મોદી સરકારે શુક્રવારે માહિતી અધિકાર સુધારા બિલ-2019ને રજૂ કર્યું હતું. હવે આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. કોંગ્રેસ અને ટીએમસીના વોકઆઉટને પગલે બિલને નવની સરખામણીએ 224 મતોથી રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

સુધારા બિલમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય માહિતી કમિશનર તથા માહિતી પરિષદો તથા રાજ્યના મુખ્ય માહિતી કમિશનરો તથા રાજ્ય માહિતી કમિશનરોના પગાર, ભથ્થાં અને સેવાની અન્ય શરતો કેન્દ્ર સરકાર નક્કી કરશે. મુળ કાયદા મુજબ મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોનો પગાર મુખ્ય ચૂંટણી કમિશનર તથા ચૂંટણી કમિશનર સમાન છે.

શા માટે થઈ રહ્યો છે વિરોધ

સામાજીક કાર્યકતા આરટીઆઈ કાયદામાં સુધારને લઈને ટીકા કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે, આના કારણે દેશમાં આ પારદર્શિતા પેનલ નબળી પડશે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સુધારાથી કેન્દ્રીય માહિતીપંચની સ્વતંત્રતા જોખમાઈ જશે. કોંગ્રેસના શશિ થરુરે કહ્યું કે સુધારા બિલ આરટીઆઈને સમાપ્ત કરનાર કાયદો છે. એઆઈએમઆઈએમના ઓવૈસીએ કહ્યું કે આ બિલ બંધારણ અને સંસદને નબળું કરનાર છે. તેનાથી શાસનમાં પારદર્શકતા લાવનાર આ આરટીઆઈ કાયદો નબળો થશે.

શું છે સરકારનો પક્ષ

  • RTI થી માહિતી મેળવવામાં સરળતા રહેશે.
  • RTI સાથે જોડાયેલા મેનેજમેન્ટમાં સરળતા આવશે.
  • પારદર્શિતા લાવવી સરકારની પ્રાથમિકતા
  • 2005માં ઉતાવળમાં લાવવામાં આવ્યું હતું બિલ
  • કાયદો બનાવતી વખતો યોગ્ય નિયમોનો અભાવ
  • આરટીઆઈ કાયદાને મજબૂત કરી રહી છે સરકાર

 

માહિતી અધિરાની મુળ વાતો

  • સરકારી રેકોર્ડ જોવાનો મૌલિક અધિકાર
  • 30 દિવસની અંદરમાં આપવો પડે છે જવાબ
  • માહિતી આપવામાં વિલંબ થવા પર પ્રતિ દિવસ 250 રૂપિયાનો દંડ
  • 2005માં યુપીએ સરકાર દરમિયાન ઘડાયો હતો કાયદો