લાલકૃષ્ણ અડવાણીના બહાને વાડ્રાએ કર્યા બીજેપી પર પ્રહાર, કહી આ વાત…

નવી દિલ્હીઃ ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટથી ટિકીટ કપાયા બાદ ભાજપના લોહ પુરુષ કહેવાતા લાલકૃષ્ણ અડવાણીએ પહેલીવાર મૌન તોડ્યું છે. અડવાણીના બ્લોગ બાદ દેશની રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. વિરોધી પાર્ટીઓ ભાજપ પર નિશાન સાધી રહી છે. હવે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ અને વ્યાપારી રોબર્ટ વાડ્રાએ પણ ફેસબુક પોસ્ટ લખીને અડવાણીના પક્ષમાં વાત કરી છે. તેમણે લખ્યું છે કે જો આપણે આપણા વરિષ્ઠોની સલાહ નથી માનતા, તો આ શરમજનક બાબત છે.

રોબર્ટ વાડ્રાએ લખ્યું છે કે પાર્ટીના મહત્વપૂર્ણ સ્તંભ રહેલા વ્યક્તિને લાંબા સમયથી ભૂલાવી દેવામાં આવ્યા છે. જે નેતા પોતાની નીતિ અને શાસનકલાને લઈને જાણીતા છે, તેમનું સન્માન થવું જોઈએ. આ પ્રકારે તેમને ઈગ્નોર ન કરી શકાય. આ પ્રકારે પોતાના સીનિયરની સલાહને ન માનવી તે શરમજનક બાબત છે.

એક વિપક્ષના નેતા તરીકે મેં તેમનું સન્માન કર્યું છે અને એ ખરેખર ખોટું છે કે તેમની પાર્ટી તેમને ભુલાવી દે.

આપને જણાવી દઈએ કે અડવાણીએ ગુરુવારના રોજ એક બ્લોગ લખ્યો હતો અને તેમનો આ બ્લોગ ભાજપના સ્થાપના દિવસ 6 એપ્રિલના અવસર પર લખવામાં આવ્યો. આમાં તેમણે કહ્યું કે, સૌથી પહેલા દેશ છે, પછી પાર્ટી અને બાદમાં પોતે છે.

આ બ્લોગમાં તેમણે એ પણ લખ્યું કે જે પણ પાર્ટી અથવા વ્યક્તિ વિપક્ષમાં છે, અમે તેમને પણ ક્યારેય પોતાના વિરોધી કે દેશદ્રોહીની નજરથી નથી જોતા. તેમના આ બ્લોગના વડાપ્રધાન મોદીએ પણ વખાણ કર્યા હતા, અને કહ્યું હતું કે મને બીજેપીના કાર્યકર્તા હોવા પર ગર્વ છે અને ગર્વ છે કે લાલકૃષ્ણ અડવાણી જેવા મહાન લોકોએ આને મજબૂત કરી છે.