ડાકુઓનું ઘર ગણાતી ચંબલની કોતરોમાં હવે ઇકો ટૂરિઝમ?

ભોપાલઃ એકસમયે ચંબલ ખીણની નદીઓની કોતરો આતંકનો પર્યાય એવા ખતરનાક ડાકુઓને છુપાવી રહી હતી ત્યાં હવે 15-20 ફુટ ઊંડી કોતર પર્યાવરણ-પર્યટનનું કેન્દ્ર બનશે. આગામી સાત વર્ષમાં ખેતી સહિત અન્ય પદ્ધતિઓથી આ ક્ષેત્ર વિકસાવવાની યોજનાઓ ચાલી રહી છે. મધ્યપ્રદેશના શ્યોપુર અને મુરૈના કાંઠાઓને લેન્ડસ્કેપ સંરક્ષણના મોડેલ તરીકે વિકસાવવાની તેમાં વાત છે. આ વિસ્તારને કેન્દ્ર સરકારની ગ્રીન એગ્રિકલ્ચર પ્રોજેક્ટ અંતર્ગત વિકસિત કરવામાં આવશે.

આ માટે, ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ) અને ગ્લોબલ એન્વાયર્નમેન્ટ ફેસિલિટી (જીઇએફ) સંયુક્ત રાષ્ટ્ર સાથે મળીને કામ કરી રહી છે. ટૂંક સમયમાં જ આ વિસ્તારની કુદરતી સંરચનાને નુકસાન પહોંચાડ્યા વિના અહીં કામગીરી શરૂ કરવામાં આવશે. ગ્વાલિયરમાં 9 નવેમ્બરે કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને એફએફઓ અધિકારીઓની બેઠકમાં આ પ્રોજેક્ટની વિભાવનાઓ અને કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જીઇએફ તરફથી મળતાં બંડોળના ઉપયોગ અંગે નેશનલ પ્રોજેક્ટ ડિરેક્ટર આરબી સિંહાએ જણાવ્યું હતું કે “મધ્યપ્રદેશમાં, પ્રોજેક્ટના નદી વિસ્તારો, ખાસ કરીને રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય જ્યાં મગર અને ડોલ્ફિન જોવા મળે છે, તેની સંભાળ લેવામાં આવશે.” સિંહાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ જૈવવિવિધતા અને જંગલની જમીન અને કૃષિની આસપાસ વણાયેલો  છે. તેમણે કહ્યું કે, આપણું લક્ષ્ય 2030 સુધીમાં 260 મિલિયન હેક્ટરની અધોગતિશીલ જમીનને ફળદ્રુપ બનાવવાનું છે અને પ્રોજેક્ટ આ દિશામાં કામ કરશે.

વર્ષ 2019-2026 દરમિયાન ગ્રીન એગ્રિકલ્ચર પ્રોજેક્ટ હેઠળ વધુ ચાર સાઇટ્સનો વિકાસ કરવામાં આવશે. જીઇએફે આ માટે આશરે 240 કરોડના ભંડોળની ફાળવણી કરી છે. મધ્યપ્રદેશ ઉપરાંત મિઝોરમના દામ્પા, ઓડિશાના સિમિલીપલ, રાજસ્થાનના બાડમેર-જેસલમેર અને ઉત્તરાખંડના કોર્બેટ-રાજાજીને પણ શામેલ કરવામાં આવ્યાં છે. આ યોજના દ્વારા આશરે 180 લાખ હેક્ટર જમીનને ફળદ્રુપ બનાવવાનું લક્ષ્ય છે.