નવી દિલ્હી- દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવતી નીટ (National Eligibility cum Entrance Test) ની પરીક્ષામાં ગત વર્ષે (2018-19 સત્ર) પહેલી વાર ઉમેદવારો પાસેથી કાઉન્સિલિંગ માટે રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો હતો. માત્ર પીજીના કાઉન્સિલિંગ માટે 1,14,198 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેની મારફતે સરકારની તિજોરીમાં 6.72 કરોડ (6,72,19,000) રૂપિયા જમા થયાં હતાં. મહત્વની વાત એ છે કે, આ રજિસ્ટ્રેશન ચાર્જ કયા આધાર પર નક્કી કરવામાં આવ્યો તેનું કોઈ જ પ્રમાણ નથી.
આ વાતનો ઘટસ્ફોટ એક આરટીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. આરટીઆઈ માંથી પ્રાપ્ત થતી જાણકારી મુજબ ગત વર્ષે કાઉન્સિલિંગ પ્રક્રિયા પર કુલ 2.66 કરોડનો ખર્ચ થયો હતો, જેની સામે સરકારને માત્ર પીજીની રજિસ્ટ્રેશન ફી માંથી જ 4 કરોડથી વધારેની આવક થઈ હતી. તેમ છતાં રજિસ્ટ્રેશન ચાર્જના રૂપમાં દરેક ઉમેદવાર પાસેથી 1000 રૂપિયા કયા માપદંડને આધારે વસૂલ્યા તેની કોઈ જાણકરી નથી.
તમને જણાવી દઈએ કે, ગત વખતે નીટના કાઉન્સિલિંગમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ચાર્જ લેવાનો નિર્ણય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ચિકિત્સા પરામર્શ સમિતિની સહમતિથી લેવામાં આવ્યો હતો. 2018 પહેલા ઉમેદવારો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો ન હતો.
આરટીઆઈથી મળેલી જાણકારી મુજબ 2018માં રજિસ્ટ્રેશન ચાર્જના રૂપમાં સરકારની તિજોરીમાં આવેલા નાણાં કયા અને કેવી રીતે ખર્ચ કરવાના છે, હાલ તેની કોઈ જાણકારી નથી. ન તો આ અંગે કોઈ દિશા-નિર્દેશ નક્કી કરવામાં આવ્યાં છે.
રજિસ્ટ્રેશન ચાર્જ મુદ્દે થયું હતું ધમાસાન
નીટ કાઉન્સિલિંગ માટે ગત વર્ષે જ્યારે રજિસ્ટ્રેશન ચાર્જ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું એ વખતે તેનો પુરજોશમાં વિરોધ થયો હતો. ઉમેરદવારોની સાથે સાથે તમામ નિષ્ણાંતોએ પણ આ નિર્ણય પર નારાજગી દર્શાવી હતી. જોકે, તમામ વિરોધ છતાંપણ વિદ્યાર્થીઓ પાસેથી રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે 1000 રૂપિયા લેવામાં આવ્યાં હતાં.
આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખ ગૌડનું કહેવું છે કે, જો યુજીની જાણકારી મળતી તો આ આંકડો હજુ પણ વધી શકે છે. તેમનું કહેવું છે કે, સરકારે વધારાના નાણાં ઉમેદવારોને પરત આપી દેવા જોઈએ અથવા તો ઓછામાં ઓછા આગામી ત્રણ વર્ષ સુધી પીજી કાઉન્સિલિંગની રજિસ્ટ્રેશન ફી ન વસૂલે.