રિઝર્વ બેન્કે સાતમી વાર રેપો રેટ યથાવત્ રાખ્યા

નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષમાં રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટી (MPC)એ પ્રથમ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવાનો નિર્ણય લીધો હતો. આ સતત સાતમી વાર છે, જેમાં RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોર મોંઘવારી ઘટી છે. તેમનું માનવું છે કે ખાદ્ય ફુગાવો દરમાં સતત ઉતારચઢાવ રહે એવી શક્યતા છે. FY25માં રિટેલ મોંઘવારી અંદાજ 4.5 ટકા પર યથાવત્ છે. FY25નો Q1 મોંઘવારી દરનો અંદાજ પાંચ ટકાથી ઘટીને 4.9 ટકા થયો હતો. FY 25નો Q2 મોંધવારી દરનો અંદાજ ચાર ટકાથી ઘટીને 3.8 ટકા અને FY25 Q3નો મોંઘવારી અંદાજ 4.6 ટકા અંદાજ્યો છે.

આ સાથે RBIએ રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને SDF રેટ 6.25 ટકા પર છે. MPCના છ સભ્યોએ દરોમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. બેન્કે FY25માં રિયલ GDP ગ્રોથ અંદાજ સાત ટકા પર રાખ્યો છે. ફેબ્રુઆરીમાં મોંઘવારી દર 5.1 ટકા છે. માર્ચમાં મોંઘવારી દર 5.2 ટકા રહેવાનો અંદાજ છે. 2024ના પહેલા ત્રણ મહિનામાં એ 5.2 ટકા રહેવાનો અંદાજ છે.

RBI ગવર્નરે કહ્યું હતું કે UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા લાવવામાં આવશે. ATM મશીનમાં UPI દ્વારા રોકડ ડિપોઝિટ કરવાની સુવિધા મળશે અને નાણાકીય સ્થિરતા પર ફોકસ રહેશે.

RBI MPCના તમામ સભ્યોએ એકમોડેશન ઑફ વિડ્રોલ તરીકે આર્થિક વલણ રાખ્યું છે. RBI દેશની આર્થિક મજબૂતીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુએસ બોન્ડ યીલ્ડ અને ડોલરમાં વધઘટ ચાલુ છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર રેકોર્ડ સ્તરે છે.