મોંઘવારીમાંથી રાહતઃ જાન્યુઆરીમાં ફુગાવાનો દર ઘટીને 5.10 ટકાએ

નવી દિલ્હીઃ મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે. જાન્યુઆરીમાં દેશનો રિટેલ મોંઘવારી દર ઘટીને 5.10 ટકા પર આવી ગયો છે. જે છેલ્લા ત્રણ મહિનાના સૌથી નીચલા સ્તરે છે.  આ પહેલાં ડિસેમ્બર, 2023માં CPI આધારિત મોંઘવારી દર 5.69 ટકા હતો.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ હાલમાં જ તેની ધિરાણ નીતિની સમીક્ષા કરતી વખતે છઠ્ઠી વાર વ્યાજદરોમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. બેન્કે રેપો રેટ 6.5 ટકા યથાવત્ રાખ્યો હતો. જાન્યુઆરી, 2023માં  ડિસેમ્બર, 2023ની તુલનાએ દાળોની મોંઘવારીમાં મામૂલી ઘટાડો થયો છે, જ્યારે છૂટક માર્કેટમાં શાકભાજીની કિંમતોમાં પણ મામૂલી ઘટાડો થયો છે, જે 27.03 (27.64 ટકા) ટકા પર આવી ગઈ છે. ખાદ્ય પદાર્થો અને એની જોડાયેલાં ઉત્પાદનોનો ફુગાવાનો દર ઘટીને 7.83 (9.93 ટકા)એ આવી ગઈ છે. આ સાથે ફળોની મોંઘવારીનો દર પણ 11.14 ટકાથી ઘટીને 8.65 ટકા રહ્યો છે.

દેશમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની કિંમતો ઘટવાને કારણે ફુગાવાના દરમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં ગયા વર્ષે જાન્યુઆરીમાં ફૂડ ઇન્ફ્લેશન રેટ 8.3 ટકા પર છે. રિઝર્વ બેન્કે મોંઘવારીનો દરનો લક્ષ્યાંક 4થી છ ટકાની વચ્ચે રાખ્યો છે.

આ પહેલાં 12 જાન્યુઆરીએ સરકારે છૂટક ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા. આ મુજબ ડિસેમ્બરમાં ભારતનો રિટેલ ફુગાવો વધીને 5.69 ટકા થયો છે. આ ચાર મહિનામાં મોંઘવારીનું સર્વોચ્ચ સ્તર છે. સપ્ટેમ્બરમાં ફુગાવો 5.02 ટકા હતો. જ્યારે નવેમ્બરમાં તે 5.55 ટકા અને ઓક્ટોબરમાં 4.87 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારી વધી હતી.