શ્રીલંકા, મોરિશિયસમાં પણ UPI પેમેન્ટ સુવિધાનો પ્રારંભ

નવી દિલ્હીઃ UPI પેમેન્ટ સિસ્ટમ દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ક્રાંતિનું પ્રતીક બન્યું છે. આ પદ્ધતિને અનેક દેશોમાં અપનાવવામાં આવી રહી છે. શ્રીલંકા અને મોરિશિયસમાં પણ વડા પ્રધાન મોદીએ UPI સર્વિસ લોન્ચ કરી દીધી છે. એનો સૌથ વધુ લાભ શ્રીલંકા અને મોરિશિયસ જતા ભારતીય પર્યટકોને મળશે. UPIની સાથે રૂપે કાર્ડની સર્વિસિઝ પણ આ બંને દેશોમાં લોન્ચ કરવામાં આવી છે. એને વડા પ્રધાને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે.

વડા પ્રધાન મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરિશિયસના PM પ્રવિંદ જુગનૌથની હાજરીમાં વિડિયો કોન્ફરન્સ દ્વારા શ્રીલંકા અને મોરિશિયસમાં UPI સહિત રૂપે સર્વિસ લોન્ચ કરી દીધી છે. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે કહ્યું હતું કે હિંદ મહાસાગર ક્ષેત્રમાં ત્રણ મિત્ર દેશો માટે એક વિશેષ દિન છે. આજે અમે ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ પ્રકારે જોડી રહ્યા છે.

આ અમારા લોકોના વિકાસ માટે અમારી પ્રતિબદ્ધતાનું પ્રમાણ છે. ફિનટેક કનેક્ટિવિટીના માધ્યમથી સરહદ પાર લેવડદેવડ જ નહીં બલકે કનેક્શન પણ મજબૂત થશે.  ભારત યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ હવે એક નવી જવાબદારી નિભાવી રહ્યું છે, જે યુનાઇટેડ પાર્ટનર્સ વિથ ઇન્ડિયા છે.

મને વિશ્વાસ છે કે UPI પ્રણાલીથી શ્રીલંકા અને મોરિશિયસને લાભ થશે. ડિજિટલ માળખાથી ભારતમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેમણે પડોશી ફર્સ્ટની પોલિસીનું ઉદાહરણ પણ આપ્યું હતું. શ્રીલંકા અને મોરિશિયસમાં લોન્ચિંગ દ્વિપક્ષી આર્થિક સંબંધોની પૃષ્ઠભૂમિમાં થઈ છે.