નવી દિલ્હીઃ ખતરનાક ચેપી બર્ડ ફ્લૂ અથવા એવિયન ઈન્ફ્લૂએન્ઝા રોગચાળો ફેલાયો હોવાથી, તેનો ફેલાવો રોકવા માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) સંસ્થાએ ઈસ્યૂ કરેલા ઓર્ડરને પગલે લાલ કિલ્લાને જાહેર જનતા અને સામાન્ય મુલાકાતીઓ માટે અનિશ્ચિત મુદત સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટીતંત્રએ જ ASI સંસ્થાને વિનંતી કરી હતી કે લાલ કિલ્લાની આસપાસના વિસ્તારમાં બર્ડ ફ્લૂનો ચેપ વધુ ફેલાતો રોકવા માટે તે આ સ્મારકને બંધ કરી દે. તે વિનંતીને પગલે ASI દ્વારા લાલ કિલ્લાને વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવાનો ઓર્ડર જારી કર્યો છે.