નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા અને રાજસ્થાનના ભૂતપૂર્વ ઉપ મુખ્ય પ્રધાન સચિન પાઇલટ હાલના દિવસોમાં દિલ્હીમાં છે અને પાર્ટીના નેતૃત્વથી મળવાના પ્રયાસોમાં છે.તેમનું કહેવું છે કે રાજ્યના રાજકીય સંકટના સમાધાનનું વચન કર્યા બાદ મહિનાઓ વીતી જવા છતાં એ વણઉકલ્યું છે. રાજસ્થાનના નેતાની આ યાત્રા પાર્ટી માટે એક રેડ એલર્ટનો સંકેત આપે છે, જેને નજરઅંદાજ નહીં કરી શકાય.
રાજસ્થાનના રાજકારણમાં હાલના દિવસોમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. જિતિન પ્રસાદ પછી પાઇલટ ભાજપમાં જવાની અટકળો લગાવવામાં આવી રહી છે. પાઇલટે ફરી એક વાર સ્પષ્ટ કર્યું હતું કે હું કોંગ્રેસમાં છું અને રહીશ. પાઇલટ નારાજ છે, એમાં કોઈ બેમત નથી. એને કારણે તેઓ હાઇકમાન્ડથી મળવા દિલ્હી પહોંચ્યા છે. પાઇલટને આ પહેલાં જે વચન આપવામાં આવ્યાં હતાં, એ હજી સુધી પૂરાં નથી કરવામાં આવ્યાં. એમાં પ્રધાનમંડળનું વિસ્તરણ પણ સામેલ છે. તેમણે ફરી એક વાર મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની સામે મોરચો માંડ્યો છે. ગેહલોત અને પાઇલટમાં ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે પ્રદેશના પ્રભારી અજય માકને કહ્યું હતું કે પ્રધાનમંડળનું વિસ્તરણ જલદી કરવામાં આવશે. મારી તેમની સાથે દરરોજ વાત થાય છે.
હવે ગેહલોત અને પાઇલટ જૂથની વચ્ચે વિધાનસભ્યોને સાધવાના પ્રયાસો તેજ થઈ ગયા છે. ગેહલોતે શુક્રવારે એક ડઝન વિધાનસભ્યો સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી અને તેમની નજીકના મહેશ જોશી અને ધર્મેન્દ્ર રાઠોડે કેટલાય વિધાનસભ્યોથી વ્યક્તિગત મુલાકાત કરી હતી.