નવી દિલ્હી- 2019 લોકસભા ચૂંટણીના પ્રચાર અભિયાનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વોત્તરથી આજરોજ કરી રહ્યાં છે. પીએમ મોદી અસમના બરાક ઘાટી સ્થિત સિલચરમાં જનસભાને સંબોધન કરશે. તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આગામી 9 જાન્યુઆરીના રોજ જયપુરમાં ખેડૂતોની સભાને સંબોધીત કરશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા દસ દિવસમાં પીએ મોદીની આ અસમની બીજી મુલાકાત છે. આ અગાઉ ક્રિસમસના દિવસે દેશના સૌથી મોટા બોગીબીલ પુલનું ઉદઘાટન કર્યું હતું. અસમ ભાજપના પ્રદેશ અધ્યક્ષના જણાવ્યા અનુસાર પીએમ મોદી સૌથી પહેલા મણિપુર જશે. જ્યાં પીએમ મોદીના હસ્તે અલગ-અલગ પરિયોજનાનું ઉધ્ધાટન તેમજ આધારશિલા રાખવામાં આવશે. ત્યારબાદ પીએમ મોદી સિલચરના કાલીનગરમાં એક રેલીને સંબોધન કરશે.
ભાજપ તેમજ ગઠબંધન પાર્ટીઓએ પૂર્વોત્તરના 8 રાજ્યોની 25 સંસદીય બેઠકમાંથી 21માં જીતનું લક્ષ્ય બનાવ્યું છે. આસામમાં 14 બેઠકોમાંથી ઓછામાં ઓછી 11 પર જીતની આશા છે.
તો બીજી તરફ રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી જીત બદલ આગામી 9 જાન્યુઆરીના રોજ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજસ્થાનના ખેડૂતોનો આભાર વ્યક્ત કરવા અને કિસાન આભાર રેલીને સંબોધીત કરશે.