જમ્મુ-કશ્મીર પુનર્ગઠન ખરડો રાજ્યસભામાં મંજૂર થયો

નવી દિલ્હી – સરહદીય અને સંવેદનશીલ રાજ્ય જમ્મુ અને કશ્મીરની પુનર્રચના કરી એને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકેના ભાગોમાં વહેંચી દેવાની જોગવાઈ કરતો ખરડો આજે રાજ્યસભામાં મતદાન દ્વારા પાસ કરી દેવામાં આવ્યો છે.

જમ્મુ એન્ડ કશ્મીર રીઓર્ગેનાઈઝેશન બિલ, 2019 પર થયેલા મતદાનમાં સરકારના પક્ષમાં 125 મત પડ્યા હતા અને વિરુદ્ધમાં 61 મત પડ્યા હતા. એક સભ્ય ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. આ ખરડામાં જમ્મુ અને કશ્મીર તથા લદાખને, અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાની જોગવાઈ છે.

રાજ્યસભામાં ભાજપની બહુમતી નથી તે છતાં અમિત શાહે ખરડાને રજૂ કરી દીધો હતો અને નસીબજોગે પહેલા જ પ્રયાસમાં એ મંજૂર થઈ ગયો છે.

આ ખરડાને આજે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં રજૂ કર્યો હતો. એની પર થયેલી ચર્ચામાં શાહે જણાવ્યું હતું કે જમ્મુ અને કશ્મીર કાયમને માટે કેન્દ્રશાસિત પ્રદેશ નહીં રહે. ત્યાં સંજોગો સુધરશે તો પાંચ વર્ષમાં જ એ ફરી રાજ્ય બની શકે છે. એ વિકસીત રાજ્ય બનશે એવી અમને આશા છે.

આ ખરડો પાસ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ તથા સંબંધિત લોકોની મહેનત સફળ થઈ છે.

દેશના બંધારણ હેઠળ જમ્મુ અને કશ્મીરને વિશેષ દરજ્જો આપતી 370મી કલમને રદ કરતો ખરડો રાજ્યસભાએ આજે આઠ કલાકની ચર્ચા બાદ પાસ કર્યો છે. સાત દાયકા બાદ આ રાજ્યને આપવામાં આવેલો વિશેષ દરજ્જો હવે રદ થવાનો છે.

જમ્મુ અને કશ્મીર રાજ્યને હવે બે ભાગમાં વહેંચી દેવામાં આવશે. બંને કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે – એક, જમ્મુ અને કશ્મીર તથા બીજો લદાખ. આ બંનેનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા નિમાનાર લેફ્ટેનન્ટ ગવર્નર સંભાળશે.

જમ્મુ-કશ્મીરને અપાયેલો વિશેષ દરજ્જો રદ કરવાથી હિંસા ફાટી નીકળશે એવા કેટલાક સભ્યોએ દર્શાવેલા ભયને અમિત શાહે નકારી કાઢ્યો હતો.