આર્ટિકલ 370 સ્થાયી કે અસ્થાયી? જાણો બંધારણીય નિષ્ણાતોનો અભિપ્રાય

જમ્મુ-કશ્મીર- કશ્મીર મામલે આજે દરેક લોકોના મોઢે Article 370નું જ નામ છે. જેને ખત્મ કરવાની વાત પર અલગ અલગ પ્રતિક્રિયાઓ મળી રહી છે. શું આ કલમ ખત્મ થઈ શકે છે કે પથી સ્થાપી છે. જાણો Article 370 અંગે શું કહી રહ્યાં છે કે, સંવિધાન વિશેષજ્ઞ.

આર્ટિકલ 370 અને આર્ટિકલ 35એ ને લઈને બંધારણ નિષ્ણાતોની પોતાના મંતવ્યો છે. બંધારણ નિષ્ણાત સુભાષ કશ્યપના જણાવ્યા અનુસાર એમાં કોઈ બે મત નથી કે, ભારતીય બંધારણની કલમ 370 સંપૂર્ણ રીતે અસ્થાયી છે. આ વાતનો ઉલ્લેખ અનુચ્છેદમાં જ કરવામાં આવ્યો છે.

 

આર્ટિકલ 370ને જ્યાં સુધી દૂર કરવાનો સવાલ છે તો, એને લઈને બંધારણમાં બે વાતો કહેવામાં આવી છે. પ્રથમ વાત એ છે કે, આર્ટિકલ 370ને જમ્મુ-કશ્મીર વિધાનસભાની સહમતિથી સંસદ હટાવી શકે છે, જ્યારે બીજી જોગવાઈ એ પણ છે કે, બંધારણના અનુચ્છેદ 368 હેઠળ સંસદનો બે તૃતિયાંશ બહુમત આ આર્ટિકલને સમાપ્ત કરી શકે છે. સુભાષ કશ્યપનું કહેવું છે કે, અનુચ્છેદ 368 સંસદને બંધારણના કોઈ પણ અનુચ્છેદમાં સંશોધન કરવા અથવા તેને હટાવવાનો અધિકાર આપે છે.

બંધારણ વિશેષજ્ઞ ડીકે દુબેના જણાવ્યા અનુસાર અનુચ્છેદ 370 જમ્મુ-કશ્મીર રાજ્ય માટે વિશેષ જોગવાઈ નથી કરતું પરંતુ આ રાજ્ય માટે અસ્થાયી જોગવાઈ કરે છે. આ અનુચ્છેદને ભારતીય સંસદ બે તૃતિયાંશ બહુમતથી ખત્મ કરી શકે છે. ડીકે દુબેનું કહેવું છે કે, ડો. ભીમરાવ આંબેડકર ભારતીય બંધારણમાં આર્ટિકલ 370ના પક્ષમાં ન હતાં. આ અનુચ્છેદને સંવિધાનમાં જોડવાનો પ્રસ્તાવ શેખ અબ્દુલ્લાએ રાખ્યો હતો અને આ અનુચ્છેદ સામાન્ય ચર્ચા બાદ બંધારણમાં જોડી દેવામાં આવ્યું હતું.

બંઘારણ નિષ્ણાત દુબેનું કહેવું છે કે, ભારતીય સંવિધાનના આર્ટિકલ 35Aને પ્રેસિડેન્શિયલ ઓર્ડર મારફતે જોડવામાં આવ્યું હતું. જે સમયે આ પ્રેસિડેન્શિયલ ઓર્ડરને જાહેર કરવામાં આવ્યો તે સમયે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હતાં અને રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ હતાં. જમ્મુ-કશ્મીરની સમસ્યાનું મુળ અનુચ્છેદ-35A જ છે. પ્રેસિડેન્શિયલ ઓર્ડર દ્વારા આ કલમને ખત્મ કરી શકાય છે.

ભારતીય બંધારણના આર્ટિકલ-370માં જમ્મુ-કશ્મીર રાજ્ય માટે અસ્થાયી જોગવાઈ કરવામાં આવી છે. જમ્મુ-કશ્મીર માટે વિશેષ જોગવાઈ નથી. ત્યારબાદ અનુચ્છેદ 370 હેઠળ કોન્સ્ટિટ્યૂશન (એપ્લીકેશન ટૂ જમ્મુ કશ્મીર) ઓર્ડર 1954 લાગુ કરીને સંવિધાનમાં આર્ટિકલ 35Aને બંધારણમાં જોડવામાં આવ્યું.

વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટમાં એક એનજીઓએ અરજી દાખલ કરીને આ અનુચ્છેદને ભારતની ભાવના વિરુદ્ધ અલગાવવાદને પ્રોત્સાહન આપતી જોગવાઈ ગણાવી. આ અરજીમાં અનુચ્છેદ 35A અને અનુચ્છેદ 370ની કાયદેસરતાને પડકાર આપવામાં આવ્યો હતો. આ અરજીમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, આઝાદી પછી દેશનું બંધારણ બનાવવા માટે જે બંધારણીય સંભા બની હતી તેમાં જમ્મુ-કશ્મીરના 4 પ્રતિનિધિ પણ સામેલ હતાં. સાથે જ જમ્મુ-કશ્મીર રાજ્યને કયારેય સ્પેશિયલ સ્ટેટસ નથી આપવામાં આવ્યું. એ પણ તર્ક આપવામાં આવ્યું કે, 35A એક અસ્થાયી જોગવાઈ હતી જેને રાજ્યમાં સ્થિતિને એ સમયે સ્થિર કરવા માટે લાગુ કરવામાં આવી હતી. આ અનુચ્છેદને બંધારણના નિર્માતાઓએ નથી બનાવ્યું.

ભાજપના નેતા રામ માધવે કહ્યું કે, સરકારે સાત દાયકા જૂની માંગને પૂરી કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કશ્મીરનું એક્કીકરણનું જે સપનું ડોં. શ્યામા પ્રસાદ મુખર્જીએ જોયું હતું અને જેના માટે હજારો લોકોએ પોતાનો જીવ આપ્યો હતો એ હવે આપણી આંખોની સામે હક્કીકત બની રહ્યું છે.

કેજરીવાલે ટ્વીટ કરી સમર્થન કર્યુંઃ આમ આદમી પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલે પણ જમ્મુ કાશ્મીર અંગે લેવાયેલા આ નિર્ણયનું સમર્થન કરતા ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે, અમે સરકારના નિર્ણયનું સમર્થન કરીએ છીએ, આશા કરીશું કે નિર્ણયથી રાજ્યમાં શાંતિ અને વિકાસ થશે.

ભાજપે બંધારણની હત્યા કરીઃ ગુલામ નબી- રાજ્યસભામાં ગુલામ નબી આઝાદે કહ્યું કે, આર્ટિકલ 370 હેઠળ જમ્મુ કાશ્મીરને ભારત સાથે જોડવામાં આવ્યું હતું અને તેની પાછળ લાખો લોકો કુરબાન થયા હતા. નબીએ કહ્યું કે, આ કાયદાનો હું કડક શબ્દોમાં વિરોધ કરું છું અને અમે ભારતના બંધારણની રક્ષા માટે જીવ આપી દઈશું પણ અમે એવા કાયદાનો હંમેશા વિરોધ કરીશું જે હિન્દુસ્તાનના બંધારણને જોખમમાં મુકે છે. ભાજપે આ જ બંધારણની હત્યા કરી છે અને જે આર્ટિકલ 370એ ભારતને કાશ્મીર અપાવ્યું , એ જ આર્ટિકલને ભાજપે ખતમ કરી દીધી છે.

સાસંદોએ ગૃહમાં કપડાં ફાડ્યાઃ સ્પીકરે હોબાળો કરી રહેલા સાંસદોને પોતાની સીટ છોડી જવા માટે કહ્યું હતું પરંતુ એક પણ સાંસદ જવા માટે તૈયાર ન હતા. સાથે જ ચોંકાવનારી વાત એ છે કે મોદી સરકારના જમ્મુ કાશ્મીર અંગે નિર્ણયના વિરોધમાં PDPનાં સાંસદોએ ગૃહમાં જ પોતાના કપડાં ફાડ્યા છે, આ સાથે સ્પીકરે તેમને બહારનો રસ્તો બતાવી દીધો છે. તો બીજી તરફ સાસંદ ગુલામ નબી આઝાદ ધરણા પર બેસી ગયા છે.

સપા, કોંગ્રેસ અને ટીએમસીએ વિરોધ કર્યોઃ સપાના રામગોપાલે આ નિર્ણયને ગેરબંધારણીય ગણાવતા કહ્યું કે, 2 ભાગ કરી દીધા છે તો જમ્મુ કાશ્મીરમાં અનામત કેવી રીતે લાગુ કરાશે. કોંગ્રેસ અને ટીએમસીએ પણ આ બિલનો સખત વિરોધ કર્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]