નવી દિલ્હીઃ લોકસભામાં એસપીજી સંશોધન વિધેયક પર ચર્ચા દરમિયાન ભોપાલથી ભાજપના સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવવા પર રાજકીય માહોલ ગરમાયો છે. વિપક્ષી દળો તો તેમનો વિરોધ કરી જ રહ્યા છે પરંતુ હવે તેઓ પાર્ટીના નિશાને પણ આવી ગયા છે. આજે લોકસભામાં રાજનાથ સિંહે કહ્યું કે કોઈ વ્યક્તિ જો નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવે છે તો અમારી પાર્ટી તેની આકરી ટીકા કરે છે. મહાત્મા ગાંધી આપણા માટે આદર્શ છે, તેઓ આપણા પથ દર્શક છે અને હંમેશા રહેશે. તેમણે કહ્યું કે નાથૂરામ ગોડસેને દેશભક્ત ગણાવનારી વિચારધારા સમાપ્ત થવી જોઈએ.
રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, નાથૂરામ ગોડસેને દેશભક્ત કહેવો તો દૂર પરંતુ દેશભક્ત માનવાના વિચારની પણ અમારી પાર્ટી નિંદા કરે છે. મહાત્મા ગાંધીની વિચારધારા હંમેશા પ્રાસંગિક હતી, અને રહેશે.
સદનની કાર્યવાહી આરંભ થયા બાદ સદનમાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પ્રજ્ઞા ઠાકુરના વિવાદિત નિવેદનનો મુદ્દે ઉઠાવ્યો અને કહ્યું કે, આ સદન આ પ્રકારના નિવેદનોની મંજૂરી કેવી રીતે આપી શકે. આના પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે ટિપ્પણીને રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી છે અને આવી સ્થિતીમાં આના પર સદનની અંદર ચર્ચાનો કોઈ અર્થ રહેતો નથી. ત્યારબાદ આપત્તિ વ્યક્ત કરતા કોંગ્રેસ સાંસદોએ સદનમાંથી વોકઆઉટ કર્યું.