નવી દિલ્હી- વાતાવરણમાં વધતા પ્રદૂષણથી પરેશાન દિલ્હી-NCRના લોકો માટે આગામી બે દિવસ રાહતના સમાચાર આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 13-14 નવેમ્બરના રોજ દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડી શકે છે.કમોસમી વરસાદ પડવાને કારણે પ્રદૂષણતો ઓછું થઈ શકે છે. પરંતુ સવારના સમયમાં ધુમ્મસનું પ્રમાણ વધી જશે. જેથી વાહન વ્યવહારને અસર પડશે. આજે સવારે ગાઝીયાબાદ અને નોએડામાં હવામાન વિભાગની આગાહી સાચી પડી હતી અને હળવો મધ્યમ વરસાદ શરુ થયો હતો.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, 13 અને 14 નવેમ્બરના રોજ દિલ્હી-NCRમાં હળવો વરસાદ પડશે. જેનાથી વાતાવરણમાં પ્રદૂષણનું સ્તર નીચું રહેશે. વરસાદથી પ્રદૂષણ ઓછું થશે, સાથે જ ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જેથી આગામી દિવસોમાં રાજધાનીના તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાશે.
હવામાનના બદલાતા મિજાજ અને ઉત્તર ભારતમાં પહાડો પર થઈ રહેલી બરફવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં પણ ઠંડક વધવા લાગી છે. આગામી દિવસમાં હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષાની શક્યતા જોતા ચંબા જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે. અને લોકોને કામ સિવાય ઘરની બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવી છે.
જમ્મુ-કશ્મીરના પર્વતીય વિસ્તારોમાં સોમવારે ફરીથી હિમવર્ષા થઈ હતી. જેને પગલે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. લદ્દાખ પ્રાંતનો સંપર્ક દેશના અન્ય ભાગો સાથે કપાઈ ગયો છે. ઉપરાંત જમ્મુને કશ્મીર ઘાટીથી જોડતા માર્ગ ઉપર પણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. હવાનામ વિભાગે આગામી 48 કલાક દરમિયાન વધુ હિમવર્ષા થવાની શક્યતા વ્યક્ત કરી છે.