નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના રોગચાળાની વચ્ચે રેલવે મંત્રાલયે પ્લેટફોર્મની ટિકિટની કિંમતોમાં વધારો કર્યો છે. મંત્રાલયનું કહેવું છે કે આ હંગામી ધોરણે લેવાયેલો નિર્ણય છે, જે યાત્રીઓની સુરક્ષા અને સ્ટેશનો પર વધુ ભીડ જમા થતી રોકવા માટે લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી પ્લેટફોર્મની ટિકિટની કિંમત હવે રૂ. 30 થઈ ગઈ છે.
મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટેશનો પર ભીડને નિયંત્રિત કરવાની જવાબદારી ડિવિઝનલ રેલવે મેનેજરોની છે. કોરોના રોગચાળાને કારણે રેલવે દ્વારા યાત્રીઓના હિતમાં લેવાયેલો નિર્ણય છે, જેથી સ્ટેશનો પર થતી ભીડને રોકી શકાય. આ પહેલાં રેલવેએ ઓછા અંતરવાળી ટ્રેનોની ટિકિટની કિંમતોમાં વધારો કર્યો હતો, જેથી બિનજરૂરી પ્રવાસને અટકાવી શકાય. દેશમાં એક વર્ષ પહેલાં કોરોના સંક્રમણમાં સતત વધારો થતાં પ્લેટફોર્મ ટિકિટની સુવિધાને બંધ કરવામાં આવી હતી. લોકડાઉન પહેલાંના સમય પહેલાં 18થી 22 માર્ચ દરમ્યાન પ્લેટફોર્મની કિંમત વધારીને રૂ. 50 કરવામાં આવી હતી. જેથી પ્લેટફોર્મ પર ભીડમાં ઘટાડો થયો હતો.
રેલવે એક વધુ મહત્ત્વની સુવિધા વધારી રહી છે.
રેલવે યાત્રીઓ માટે વધુ એક મહત્ત્વની સુવિધા વધારી રહી છે. હવે ટ્રેનમાં તમે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડછી ચુકવણી કરી શકશો. યાત્રી ભાડાની સાથે દંડની રકમ પણ આ સુવિધાથી કરી શકાશે. આ માટે ભારતીય રેલવે અને સ્ટેટ બેન્ક સાથે કરાર થયો છે. જેથી આ વર્ષે આ વ્યવસ્થા શરૂ થાય એવી શક્યતા છે.
આ સુવિધાનો પ્રારંભ પૂર્વોત્તર રેલવેથી થશે.