રેલવે વ્યૂહાત્મક ક્ષેત્ર છે, ખાનગીકરણની યોજના નથીઃ વૈષ્ણવ

નવી દિલ્હીઃ રેલવેના ખાનગીકરણનો કોઈ સવાલ જ નથી અને એ વિશે કરવામાં આવેલી બધી વાતો કાલ્પનિક છે, એમ રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવે લોકસભામાં જણાવ્યું હતું. રેલવેના ટ્રેક, સ્ટેશન્સ, ઓવરહેડ કેબલ્સ,ટ્રેન એન્જિન્સ, ડબ્બાઓ અને સિગ્નલ્સ સિસ્ટમ્સ –બધું રેલવેની માલિકીનું છે. ક્યાંય પણ ખાનગીકરણની વાત નથી. મારા પહેલાંના ભૂતપૂર્વ રેલવેપ્રધાન પીયૂષ ગોયલ પણ સંસદમાં સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે રેલવેનું માળખું જટિલ છે અને ભારતીય રેલવેનું કોઈ પણ હિસાબે ખાનગીકરણ નહીં થાય, એમ તેમણે કહ્યું હતું.

સંસદમાં કેટલાક સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી કે માલગાડીઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. જોકે એના જવાબમાં રેલવેપ્રધાને કહ્યું હતું કે એવું બિલકુલ નથી. સરકારની ખાનગીરકણની નીતિ સ્પષ્ટ છે. ભારતીય રેલવે એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે, જેની સામાજિક જવાબદારી પણ છે. રેલવેના ખાનગીકરણ વિશે ચર્ચા કરવાની પણ જરૂર નથી, એમ તેમણે કહ્યું હતું.

રેલવેમાં એક વર્ષમાં 800 કરોડ યાત્રીઓ આવ-જા કરે છે અને 140 લાખ ટન કાર્ગોની વહન કરે છે. બજેટમાં આ વર્ષે રેલવેની આવક રૂ. બે લાખ કરોડની અંદાજવામાં આવી છે અને રેલવેનો મૂડીખર્ચ રૂ. 2.5 લાખ કરોડ અંદાજવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે રેલવેના માળખાના વિકાસ માટે વાર્ષિક ધોરણે નવા ટ્રેકો બિછાવવાનું કામ બમણા અને ત્રણ ગણા વેગથી થઈ રહ્યું છે. 2014થી 2019માં પ્રતિ વર્ષ 2531 કિમીની નવા ટ્રેકનું કામ થયું હતું અને એ હવે લક્ષ્ય પ્રતિ વર્ષ 3000 કિમીનું છે.