નવી દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકાર પર નિશાન તાક્યું છે. આ વખતે રાહુલ ગાંધીએ પેટ્રોલ ડીઝલની કિંમતોને લઈને મોદી સરકાર પર હુમલો કર્યો છે.
રાહુલ ગાંધીએ એક સમાચારને શેર કરતા ટ્વીટ કર્યું કે, વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો આશ્ચયજનક રીતે ઘટી રહી છે છતાં આપણા દેશમાં પેટ્રોલ 69 રૂપિયા પ્રતિ લિટર કેમ છે? આ આપત્તિમાં જો કિંમતો ઘટે તો સારુ, કયારે સાંભળશે આ સરકાર?
તો બીજી તરફ કોરોના સંકટ વચ્ચે સરકારના એક નિર્ણયથી વિવાદ શરુ થઈ ગયો છે, સરકારે ગોડાઉનોમાં રહેલા ચોખાનો વધારાનો જથ્થાનો ઉપયોગ હેન્ડ સેનિટાઈઝરની આપૂર્તિ માટે જરૂરી ઈથેનોલ બનાવવા માટે કરવાનો નિર્ણય કર્યો છે. જેના પર રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા લખ્યું કે, ભારતના ગરીબો કયારે જાગશે? તમે ભૂખે મરી રહ્યા છો અને તે તમારા ભાગના ચોખાથી સેનેટાઈઝર બનાવીને અમીરોના હાથની સફાઈમાં લાગેલા છે.