નવી દિલ્હીઃ ટ્વિટર અને કોંગ્રેસની વચ્ચે વિવાદ સતત વધતો જઈ રહ્યો છે. કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીનું એકાઉન્ટ કામચલાઉ રીતે બંધ કર્યા પછી કંપનીએ હવે કોંગ્રેસ પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ પણ લોક કર્યું છે. એ ઉપરાંત કંપની દ્વારા કોંગ્રેસના પાંચ સિનિયર નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક કરવામાં આવ્યાં છે.
કોંગ્રેસ સચિવ- કોમ્યુનિકેશન વિનીત પુનિયાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે AICC જનરલ સચિવ અને ભૂતપૂર્વ કેન્દ્રીય અજય માકન, પાર્ટીના જનરલ સચિવ રણદીપ સિંહ સુરજેવાલા, પાર્ટીના MP માણિકમ ટેગોર અને મહિલા કોંગ્રેસનાં પ્રમુખ સુષ્મિતા દેવ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહના ટ્વિટર એકાઉન્ટ લોક થયાં છે.
કોંગ્રેસ દ્વારા આ મુદ્દે સતત સરકારને ઘેરવામાં આવી રહી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે સરકારના દબાણમાં ટ્વિટર દ્વારા આ પ્રકારના પગલાં લેવામાં આવ્યાં છે. કેટલાક દિવસો પહેલાં યૂથ કોંગ્રેસે દિલ્હીમાં ટ્વિટરની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો બળાત્કાર પીડિત બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો અપરાધ છે તો એ ગુનો અમે સો વાર કરીશું, જય હિન્દ, સત્યમેવ જયતે.
ટ્વિટર દ્વારા આ પગલાં બદલ જવાબ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ નેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. કોઈ પણ નેતાએ વિવાદિત ટ્વીટ ડિલીટ નથી કર્યા. ટ્વિટર દ્વારા આ પગલાં NCPCRની ફરિયાદ પર લેવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસના સોશિયલ મિડિયાના હેડ રોહન ગુપ્તાએ કહ્યું હતું કે ટ્વિટરના નિયમો અનુસાર ઉલ્લંઘન માટે પાર્ટીના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે, પણ ટ્વિટર સરકારના દબાણમાં કામ કરી રહી છે. કંપનીએ કોંગ્રેસની નેતાઓ અને કાર્યકર્તાઓનાં 5000 એકાઉન્ટ પહેલેથી બ્લોક કર્યા છે.