આઝાદી પછીનું આ સૌથી મોટું આર્થિક સંકટઃ રઘુરામ રાજન

નવી દિલ્હી: રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને કોરોના વાયરસના કારણે સર્જાયેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કહ્યું કે દેશ આઝાદી પછીના સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. તેઓએ કહ્યું કે સરકારે આમાંથી બહાર નીકળવા માટે વિપક્ષ સહિત વિશેષજ્ઞોની મદદ લેવી જોઈએ. કેન્દ્ર અને રાજ્યોએ મળીને રણનીતિ બનાવવી પડશે અને આગામી કેટલામ મહિનાઓ સુધી આર્થિક રીતે નબળા લોકોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) મારફતે પૈસા નાખવા પડશે.

રાજને હાલના સમયમાં ભારતની સૌથી મોટી મુશ્કેલી શીર્ષકથી એક બ્લોગ પોસ્ટમાં ટિપ્પણી કરી છે. તેઓએ કહ્યું કે ગરીબો પર ખર્ચ કરવો યોગ્ય છે પણ છતાં સરકાર પાસે સંસાધનોના મોરચે કેટલીક મુશ્કેલીઓ છે. સિમિત સંસાધન આપણા માટે ચિંતાનો વિષય છે. જોકો, સામે જરૂરીયાતમંદ લોકો પર ખર્ચ વધારવો પણ જરૂરી છે. એનો અર્થ એવો નથી કે આપણે આપણી નાણાકીય મુશ્કેલીઓને નજર અંદાજ કરી દઈએ.

2008 09ના વૈશ્વિક નાણાંકીય સંકટ સમયે માગમાં ઘટાડો જોવા મળ્યો હતો, પણ તે સમયે કામદારો કામ કરી રહ્યા હતા અને સાથે કંપનીઓ પણ ઉત્પાદન કરવા સક્ષમ હતી. એ સમયે આપણી નાણકીય પ્રણાલી સારી સ્થિતિમાં હતી અને સરકારના નાણાકીય સંસાધનો પણ સારી સ્થિતિમાં હતો. અત્યારે અમે કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ. જો કે તેમણે કહ્યું કે, જો યોગ્ય તરીકે તેમજ પ્રાથમિકતા સાથે કામ કરવામાં આવે તો ભારત પાસે એટલા સ્ત્રોત છે કે, તે આ મહામારીમાંથી બહાર નીકળી શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે હજુ ઘણું કરવાની જરૂર છે. જેમની પાસે અનુભવ અને ક્ષમતા હોય તેમને સરકારે બોલાવવા જોઈએ. ભારતમાં એવા ઘણા લોકો છે જે સરકારને આમાંથી બહાર લાવવામાં મદદ કરી શકે છે. સરકાર રાજકીય વિભાજનની લાઇનને પાર કરીને વિપક્ષ પાસે પણ મદદ લઈ શકે છે. તેમની પાસે અગાઉના નાણાકીય સંકટમાંથી દેશને બહાર કાઢવાનો અનુભવ છે. 21 દિવસનું લૉકડાઉન પહેલું પગલું છે. તેનાથી આપણને તૈયારીનો સમય મળ્યો છે. સરકાર આપણા સાહસી સેવા કર્મીઓના આધારે લડી રહી છે. જનતા, ખાનગી ક્ષેત્ર, રક્ષા ક્ષેત્ર, સેવા નિવૃત્ત લોકો સહિત તમામ શક્ય સંસાધનોનો ઉપયોગ કરવાની તૈયારીમાં છે. સરકારે પોતાના પ્રયાસ સતત વધારવાની જરૂર છે.