નવી દિલ્હી- રાફેલ ડીલ મામલે કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, ભાજપ સરકારે જે નિયમો પર ચર્ચા કરી છે તે વર્ષ 2007 અને 2012માં યુપીએ સરકારમાં સ્વીકારાયેલા નિયમો કરતાં વધુ સારા છે. જેમાં ઝડપી ડિલિવરી, લાંબા સમયગાળા માટે રખરખાવ, સ્પેરપાર્ટ્સની વધુ સારી ઉપલબ્ધિ અને વધુ સુરક્ષા ક્ષમતા શામેલ છે.પીયૂષ ગોયલે કહ્યું કે, રાફેલ ડીલને લઈને ઘણા સમયથી ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે. અને આ જુઠ્ઠાણું પણ એવા લોકો ફેલાવી રહ્યાં છે જેમની પાસે કોઈ અન્ય મુદ્દો જ નથી. પરંતુ એક જ જુઠ્ઠાણાંનું 100 વખત પુનરાવર્તન કરવાથી તે સત્ય બની જતું નથી.
કેન્દ્રીય પ્રધાને કહ્યું કે, એક પછી એક વાતો બોલીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. અને આ બધું બીજું કોઈ નહીં પણ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કરી રહ્યાં છે. એક નોન ઈશ્યૂને તૂલ આપવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેનો ફ્રાન્સની સરકાર અને રાફેલ કંપનીના માલિકે પણ ખુલાસો કર્યો છે. જેથી રાહુલ ગાંધીએ ખોટું બોલવાનું બંધ કરવું જોઈએ કારણ કે, સત્ય દેશની સામે છે.