એનએસઈએલનો ડિફોલ્ટર એલઓઆઇએલ સામે પંજાબ-એન્ડ-હરિયાણા હાઇકોર્ટમાં વિજય

નવી દિલ્હીઃ નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ને ડિફોલ્ટર એલઓઆઇએલ સામે પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં વિજય મળ્યો છે. આ ચુકાદાને પગલે હવે એલઓઆઇએલ ગ્રુપના માલિકો – જનક રાજ સિંહ અને બલબીર ઉપ્પલ વિરુદ્ધ ફોજદારી તપાસ થઈ શકશે અને લોકોનાં નાણાં ચાઉં કરી જવા બદલ એમની ધરપકડ પણ થઈ શકશે.

એલઓઆઇએલ ગ્રુપે એનએસઈએલ કેસમાં ૭૨૦.૩૧ કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની બાકી છે. મુંબઈ હાઇ કોર્ટે નીમેલી ઉચ્ચ સ્તરીય સમિતિ ઉપરાંત મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઈઓડબ્લ્યુ)એ તથા સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસે (એસએફઆઇઓ)એ નીમેલા ફોરેન્સિક ઓડિટરે એલઓઆઇએલ દ્વારા ઉક્ત રકમ ચૂકવવાની નીકળે છે એવું પોતાના અહેવાલોમાં જણાવ્યું છે.

એલઓઆઇએલના માલિકો અગાઉ ન્યાયતંત્ર સામે અનેક ખોટી રજૂઆતો કરીને એકપક્ષી નિર્ણયો મેળવવામાં સફળ થયા હતા, પરંતુ તાજેતરના ચુકાદા દ્વારા પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે જિલ્લા અદાલતના આદેશની સામે સ્ટે આપી દીધો છે. અદાલતે જનક રાજ સિંહની તરફેણ કરનારા નીચલી અદાલતના ચુકાદા બાબતે નાખુશી પણ વ્યક્ત કરી છે.

એનએસઈએલની અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે એનએસઈએલની કટોકટીનો હલ લાવવાનું શક્ય હતું, પરંતુ ફોરવર્ડ માર્કેટ્સ કમિશન (એફએમસી)ના તત્કાલીન ચેરમેન રમેશ અભિષેકે સનદી અધિકારી કે. પી. કૃષ્ણન અને ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમની સાથે મળીને એ હલ લાવવા દીધો નહીં. રમેશ અભિષેકે ડિફોલ્ટરો અને બ્રોકરો વિરુદ્ધ જાણીજોઈને કોઈ કાર્યવાહી કરી નહતી, એવું મુંબઈની ઈઓડબ્લ્યુએ તેના અહેવાલમાં કહ્યું છે.

નોંધનીય છે કે એનએસઈએલની સામે ષડ્યંત્ર રચવામાં આવ્યું હતું, પરંતુ આ કોમોડિટી હાજર એક્સચેન્જે બાવીસ ડિફોલ્ટરો પાસેથી નાણાંની વસૂલી કરવા માટે એકલા હાથે સતત પ્રયાસ ચાલુ રાખ્યા છે. તેને પગલે અદાલતો પાસેથી ડિફોલ્ટરો વિરુદ્ધ ૩,૩૬૪.૭૧ કરોડ રૂપિયાની ડિક્રી મેળવાઈ છે અને હાઇ કોર્ટની સમિતિએ ૯૩૦ કરોડ રૂપિયાની ડિફોલ્ટરોની લાયેબિલિટી નિશ્ચિત કરી છે.