નવી દિલ્હી- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પરીક્ષા પે ચર્ચા 2.0 કાર્યક્રમ દ્વારા આ વર્ષે યોજાનારી બોર્ડ પરીક્ષા પહેલા દેશભરના વિદ્યાર્થીઓ શિક્ષકોને તણાવથી મુક્ત રહેવાની ટિપ્સ આપી હતી.પોતાનું ભાષણ શરુ કરતા પહેલા વડાપ્રધાને અટલ સરકારમાં સંરક્ષણ પ્રધાન રહેલા જ્યોર્જ ફર્નાંડિસના નિધન પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ફર્નાંડિસનું આજે દિલ્હીની એક હોસ્પિટલમાં 88 વર્ષની ઉંમરે નિધન થયું છે.
દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજીત પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં આ દેશના જૂદા જૂદા વિસ્તારોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ પરીક્ષા દરમિયાન તણાવ મુક્ત રહેવા અંગે વડાપ્રધાનને સવાલો પુછયા હતાં. કશ્મીરના એક વાલીએ વડાપ્રધાનને પુછયુ હતું કે, બાળકોને કારણે તે પણ તણાવમાં રહેતા હોય છે, તેના માટે શું કરવું જોઈએ?
તો બીજી તરફ તમિલનાડુના એક વિદ્યાર્થીએ વડાપ્રધાનને દિવસમાં 17-17 કલાલ કામ કરવા અને ઉર્જાવાન રહેવા અંગે સવાલ પુછયો હતો. જેના જવાબમાં મોદીએ કહ્યું કે, હું માતા પાસેથી પ્રેરણા લઉં છું, માતા કદી પણ થાકતી નથી, તે આખો દિવસ કામ કરે છે કારણ કે તેને પોતાના પરિવારની ચિંતા હોય છે. એવી જ રીતે મારા માટે પણ દેશના સવા સો કરોડ દેશવાસી મારો પરિવાર છે.
વડાપ્રધાન મોદીએ આ દરમિયાન કહ્યું મારા માટે આ કાર્યક્રમ કોઈને ઉપદેશ આપવા માટે નથી. હું અહીં તમારી વચ્ચે પોતાને તમારા જેવો અને તમારી સ્થિતિની જેમ જીવવા ઈચ્છુ છુ.
દરેક માતા-પિતાએ પોતાના બાળકોને પ્રોત્સાહિત કરવા જોઈએ. પરીક્ષાનું મહત્વ તો છે પરંતુ આ જીવનની પરીક્ષા નથી. તેમણે કહ્યુ કે જો આપણે આપણને કસોટીના ત્રાજવા પર ઝોખીશુ નહીં તો જીવન રોકાઈ જશે.
વિદ્યાર્થીઓ પર પ્રેશર ન નાંખો: મોદી
જ્યારે મનમાં પોતીકાપણાનો ભાવ પેદા થાય છે તો પછી શરીરમાં ઉર્જા આપમેળે આવી જાય છે થાક ક્યારેય ડોકિયુ કરતો નથી. વાલીઓની મહત્વાકાંક્ષાઓ હોય છે. બાળકોને દબાણ આપવાથી સ્થિતિ બદલાઈ જાય છે. બાળકોની ક્ષમતાને ઓળખવાનો પ્રયત્ન કરો. બાળકો પર પ્રેશર નાંખો નહીં.
મોદીએ ધ્યેય કેવો હોવો જોઈએ તે અંગે કહ્યું કે, જ્યારે આપણું લક્ષ્ય આપણે પ્રાપ્ત થઈ જશે તો, તેનાથી જ આપણે નવા લક્ષ્યની પ્રેરણા મળશે. નિરાશામાં ડુબેલો સમાજ, પરિવાર કે વ્યક્તિ કોઈનું પણ ભલુ કરી શકતો નથી. આશા અને અપેક્ષા ઉધ્વ ગતી માટે જરૂરી હોય છે.