નવી દિલ્હી – લોકસભા ચૂંટણી-2019માં ભારતીય જનતા પાર્ટીને બહુમતી સાથે વિજય અપાવવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના પ્રમુખ અમિત શાહે આજે અહીં પક્ષના મુખ્યાલય ખાતે મતદારોનો આભાર માન્યો હતો.
આનંદિત થયેલા પક્ષના કાર્યકર્તાઓને સંબોધિત કરતાં મોદીએ કહ્યું કે, આજે હિન્દુસ્તાન રાષ્ટ્ર જીત્યું છે, લોકશાહી જીતી છે. ભાજપ અને NDA આ જીત જનતાને અર્પણ કરે છે. હું ભારતના 130 કરોડ નાગરિકોને શિર ઝુકાવીને નમન કરું છું.
મોદીએ વધુમાં કહ્યું કે, આ ચૂંટણીમાં વિજયી થયેલા તમામ ઉમેદવારોને હું અભિનંદન આપું છું, પછી એ ભલે કોઈ પણ પાર્ટીના હોય કે કોઈ પણ પ્રદેશમાંથી ચૂંટણી લડ્યા હોય.
મોદીએ એમ પણ કહ્યું કે, ‘2019ની ચૂંટણીમાં અમે તમામ દેશવાસીઓ પાસે નવા ભારતના નિર્માણ માટે જનાદેશ મેળવવા માટે ગયા હતા. દેશના કરોડો નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે.’
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે, કોંગ્રેસને આ વખતની ચૂંટણીમાં કારમી હાર ખમવી પડી છે. 17 રાજ્યોમાં પાર્ટીને ઝીરો મળ્યો છે. ભાજપની તરફેણમાં જનાદેશ એ મોદીજીના સબકા સાથ સબકા વિકાસ નારા માટે ‘ટૂકડે ટૂકડે ગેંગ’ને જડબાતોડ જવાબ છે.