લખનઉ – પૂર્વીય ઉત્તર પ્રદેશનાં ચાર્જ સાથે કોંગ્રેસનાં મહામંત્રી બનેલાં પ્રિયંકા ગાંધી-વાડ્રાએ લોકસભા ચૂંટણી પૂર્વે એમનાં ‘મિશન યૂપી’નો આજથી ધમાકેદાર રીતે આરંભ કર્યો છે. તેઓ પાંચ દિવસ માટે ઉત્તર પ્રદેશમાં રહેવાનાં છે. આજે એમણે પાટનગર લખનઉમાં રોડશો આદર્યો હતો.
કોંગ્રેસના આ મેગા રોડશોમાં કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ હજારોની સંખ્યામાં જોડાયાં હતા.
પ્રિયંકાની સાથે આ રોડશોમાં એમનાં ભાઈ અને પક્ષપ્રમુખ રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા.
આ 20-કિલોમીટર લાંબા રોડશોનો આરંભ પ્રિયંકા અમૌસી એરપોર્ટ ખાતેથી જ કરવામાં આવ્યો હતો.
રોડશો એરપોર્ટથી નેહરુ ભવન સુધીનો હતો, જે ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિનું મુખ્યાલય છે.
સમગ્ર રોડશોનાં રૂટ પર ઠેર ઠેર પક્ષનાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ હાથમાં પક્ષના ધ્વજ સાથે ઊભા હતા.
પક્ષના મુખ્યાલયને પણ ફૂલો અને ધ્વજથી શણગારવામાં આવ્યું હતું.
મુખ્યાલય તરફ દોરી જતા રસ્તાની બંને બાજુએ પક્ષના ધ્વજ લગાડવામાં આવ્યા હતા.
આ રોડશોમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશનો ચાર્જ મેળવનાર જ્યોતિરાદિત્ય સિંધિયા પણ સામેલ હતા.
ગયા મહિને રાજકારણમાં પ્રવેશ કર્યાં બાદ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં આ પહેલી જ વાર મુલાકાત લીધી છે.
કોંગ્રેસ પાર્ટીએ પ્રિયંકાને ઉત્તર પ્રદેશની 80માંથી 42 લોકસભા સીટ જીતી આપવાની જવાબદારી સોંપી છે. આમાં 30 સીટ પૂર્વાંચલમાં છે અને બાકીની અવધમાં છે.
[caption id="attachment_109439" align="aligncenter" width="602"] પ્રિયંકા ગાંધીએ દેશનાં રાજકારણમાં ધમાકેદાર રીતે પ્રવેશ કર્યો છે. સગાં ભાઈ અને કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રિયંકાને પાર્ટીનાં મહામંત્રી બનાવ્યાં છે અને આગામી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા માટે પૂર્વીય ઉત્તર પ્રદેશનો હવાલો સોંપ્યો છે. પ્રિયંકા 11 ફેબ્રુઆરી, સોમવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ પહોંચ્યાં હતાં જ્યાં તેઓ ત્રણ દિવસ રહેવાનાં છે. આજે એમણે શહેરમાં ભવ્ય, મેગા રોડશો કર્યો હતો. અમૌસી એરપોર્ટથી પાર્ટીના મુખ્યાલય નેહરુ ભવન સુધી 20 કિ.મી.નો રોડશો રહ્યો હતો. રોડશોમાં પાર્ટીનાં કાર્યકર્તાઓ અને સમર્થકો હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા. પાર્ટીમાં પ્રિયંકાની સાથે રાહુલ તથા પક્ષના બે સિનિયર નેતા - જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર પણ જોડાયા હતા. પ્રિયંકા ઉત્તર પ્રદેશની પાંચ-દિવસની મુલાકાતે આવ્યાં છે.[/caption]