રાષ્ટ્રપતિ મુર્મુએ એનાયત કર્યાં ‘પદ્મ’ એવોર્ડ્સ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સાંજે આયોજિત વિશેષ સમારોહમાં પ્રતિષ્ઠિત નાગરિકોને આ વર્ષના ‘પદ્મ’ એવોર્ડ્સ એનાયત કર્યાં હતાં.

રાષ્ટ્રપતિએ આજે ત્રણ ‘પદ્મવિભૂષણ’, પાંચ ‘પદ્મભૂષણ’ અને 47 ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત કર્યાં હતાં. એ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

એસ.આર. શ્રીનિવાસ વરદનને ‘પદ્મવિભૂષણ’ એવોર્ડ એનાયત કરાયો હતો. ડો. દિલીપ મહલાનાબિસ તથા મુલાયમસિંહ યાદવને પદ્મવિભૂષણ મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. પાંચ ‘પદ્મભૂષણ’ એવોર્ડ પ્રાપ્ત કરનાર છેઃ ડો. એસ.એલ. ભૈરપ્પા, પ્રો. દીપક ધર, વાણી જયરામ (મરણોત્તર), સુધા મૂર્તિ, શ્રી શ્રી શ્રી ત્રિદન્ડી ચિન્ન જીયર સ્વામીજી.

બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન અને ગાયક હેમંત ચૌહાણ સહિત 47 વ્યક્તિઓને ‘પદ્મશ્રી’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.