નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ચૂંટણીમાં રણનીતિકાર તરીકે જાણીતાં અને જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર સાથે મુલાકાત કરી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રશાંત કિશોર હવે મમતા બેનર્જી માટે કામ કરશે. આંધ્રપ્રદેશમાં જગન મોહન રેડ્ડીને વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત જીત અપાવવા પાછળ કિશોરનું મગજ હતું. મમતા અને કિશોર વચ્ચે બે કલાક બેઠક થઈ હતી.
પ્રશાંત કિશોર એક મહિના બાદ મમતા બેનર્જી માટે કામ કરવાનું શરુ કરશે. લોકસભા ચૂંટણીમાં બંગાળમાં બીજેપીને 18 સીટ મળ્યાં બાદ બેનર્જી કંઇક ડર્યાં હોઇ શકે છે. એટલે તેમણે 2021ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપને ઈટનો જવાબ પથ્થરથી આપવા માટેના પ્લાનિંગમાં કોઈ કસર છોડી નથી. કોલકાત્તામાં બેઠક બાદ મમતાએ પ્રશાંત કિશોર માટે હામી ભરી.
પ્રશાંત કિશોર જાણીતા ચૂંટણી રણનીતિકાર છે. વિધાનસભા ચૂંટણીમાં પોતાની રણનીતિથી તેમણે ચંદ્રાબાબુ નાયડુને સત્તાથી બહાર કરી દીધા. તેમની ચૂંટણી રણનીતિના પરિણામે જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસે આંધ્રપ્રદેશની તમામ 25 સીટો જીતી લીધી અને વિધાનસભામાં 175માંથી 150 સીટો પર કબજો મેળવ્યો.
પ્રશાંત કિશોર ગત વર્ષે સક્રિય રાજનીતિમાં આવ્યાં હતાં. તેમને જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ચૂંટણીમાં પાર્ટીએ તેમને કોઈ કામ ન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રશાંત કિશોરે 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી માટે કેમ્પેઈન ડિઝાઈન કર્યું હતું. ત્યારબાદ 2015માં નીતિશ કુમારની જીતમાં પણ તેમનો જ હાથ હતો. પરંતુ 2017 વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસને ઉત્તર પ્રદેશમાં જીત નહોતાં અપાવી શક્યાં. ત્યારબાદ તેમણે પોતાને લો-પ્રોફાઈલ કરી લીધાં. જો કે પંજાબમાં કોંગ્રેસે તેમની જ રણનીતિથી સત્તા પ્રાપ્ત કરી હતી.