અઠવાડિયું મોડું થયેલું નૈઋત્યનું ચોમાસું કાલે કેરળમાં બેસશે; પણ પ્રગતિ નબળી રહેશે

તિરુવનંતપુરમ – ચોમાસાએ આ વખતે ભારતમાં આગમન કરવામાં મોડું કર્યું છે. ભારતમાં ચોમાસું જ્યાંથી પ્રવેશ કરતું હોય છે તે કેરળ રાજ્યમાં હજી વરસાદ શરૂ થયો નથી. સામાન્ય રીતે ત્યાં દર વર્ષે 1 જૂને ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે એ લંબાઈ ગયું છે. હવે રાહતના સમાચાર એ છે કે કેરળમાં આજે ચોમાસા-પૂર્વેનો વરસાદ પડી રહ્યો છે અને એવી આગાહી છે કે ચોમાસું આ રાજ્યમાં 24 કલાકની અંદર, આવતીકાલે – 8 જૂને બેસી જશે.

કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ ત્યાંથી ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગો તરફ આગળ વધતું હોય છે.

પરંતુ, ભારતીય હવામાન વિભાગે તેના બુલેટિનમાં જણાવ્યું છે કે કેરળમાં ચોમાસાના આગમન માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે, પરંતુ ત્યારબાદ એની પ્રગતિ નબળી પડશે. કિસાનોએ જૂન મહિનામાં ઓછા વરસાદની મુસીબત માટે તૈયાર રહેવું, એવી પણ હવામાન નિષ્ણાતોએ સલાહ આપી છે.

દેશભરમાં હાલ સખત ગરમી પડી રહી છે. દેશના ઘણા ખરા ભાગોમાં ચોમાસા-પૂર્વેનો વરસાદ પણ સામાન્ય કરતાં ઘણો ઓછો રહ્યો છે. એમાં 24 ટકાની ખાધ નોંધાઈ છે.

સમગ્ર જૂન મહિનામાં વરસાદનું પ્રમાણ નોર્મલ કરતાં ઓછું રહેશે, એવું હવામાન વિભાગનું અનુમાન છે. 20 જૂન પછી જ વરસાદનું પ્રમાણ નોર્મલ થાય એવી ધારણા છે, પરંતુ 8 જૂને ચોમાસું બેસે ત્યારબાદ એની પ્રગતિ નબળી રહશે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશમાં ચોમાસું મોડું થયું છે, પણ સમગ્ર ચોમાસાની ઋતુની વાત કરીએ તો ચિંતાની બાબત નહીં રહે, એમ અર્થ સાયન્સીસ વિભાગના સેક્રેટરી એમ. રાજીવન નાયરનું કહેવું છે.

હવામાન વિભાગે કિસાનોને સલાહ આપી છે કે એમણે વાવણી તત્કાળ શરૂ ન કરવી. ચોમાસામાં વિલંબ માટે કિસાનોએ સજ્જ રહેવું પડશે. પાણીના રેશનિંગ માટેની યોજના ઘડવી પડશે.