9 રાજ્યોએ ભંડોળ છૂટું ન કરતાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફટકો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારની મુખ્ય યોજના પ્રધાન મંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ને મોટો ફટકો પડ્યો છે, કારણ કે નાણાભીડનો સામનો કરી રહેલાં રાજ્યોએ આ યોજનામાં તેમના હિસ્સાનાં નાણાં છૂટાં કરવાનો નનૈયો ભણી દીધો છે.

આ યોજના ગ્રામીણ ભારતમાંનાં કાચાં ઘરને પાકાં બનાવવા માટેની છે. માર્ચ 2022 સુધીમાં 2.47 પાકાં ઘર ગ્રામીણ વિસ્તારોમાં બાંધવા માટેની આ યોજનામાં ઓછામાં ઓછાં નવ રાજ્યોએ તેમના હિસ્સાના રૂ.2,915.21 કરોડ છૂટા કર્યા નથી.

30 જૂન, 2020 સુધીમાં આશરે રૂ.2,492.61 કરોડ અથવા યોજનાના 85 ટકા હિસ્સાને જ્યાં વિપક્ષી સરકારો છે એ રાજસ્થાન, છત્તીસગઢ અને રાજસ્થાનની સરકારોએ છૂટો કર્યો નથી. રાજસ્થાને રૂ.1,498.41 કરોડ, છત્તીસગઢે રૂ.762.81 કરોડ અને ઝારખંડે નાણાકીય વર્ષ 2019-20ના રૂ.231.39 કરોડ છૂટા કર્યા નથી.

લોકડાઉનને પગલે મહેસૂલી આવકના સ્રોતો સુકાઈ ગયા છે અને રાજ્યો તેમના ભાગે આવતો હિસ્સો છૂટો ન કરતાં હોઈ આ યોજના હેઠળ ચાલી રહેલાં બાંધકામ અટકી પડ્યાં છે.

વિપક્ષ શાસિત રાજ્યો ઉપરાંત મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને મણિપુરએ પણ તેમના હિસ્સાનું યોગદાન આપ્યું નથી. અમે રાજ્ય સરકારોને તેમના હિસ્સાનાં ભંડોળ છૂટાં કરવા માટે લખ્યું છે. અમે છત્તીસગઢ જેવાં રાજ્યો પ્રતિ આંગળી ચીંધી છે કેમ કે તેઓ ખેડૂતોને સ્ટાઈપેન્ડ્સ આપી રહ્યાં છે પરંતુ તેઓ ગ્રામીણ ગરીબોને સીધો લાભ થવાનો છે એ માટેનાં ભંડોળ છૂટાં કરતાં નથી એમ એક ગ્રામવિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યોએ તેમના ભાગનાં નાણાં ઉપરાંત કેટલાંક રાજ્યોએ આ પ્રોગ્રામ માટે કેન્દ્રે છૂટાં કરેલાં નાણાં પણ છૂટાં કર્યાં નથી.

હવે મંત્રાલય મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી સ્કીમની જેમ આ યોજનાના લાભાર્થીઓને નાણાંની સીધી ચુકવણી કરવાની વિચારણા કરી રહ્યું છે.