નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 150 પેસેન્જર ટ્રેનોને પ્રાઈવેટ પ્લેયરોના હાથમાં સોંપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયની સાર્વજનિક ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિએ આ પ્રોજેક્ટના સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્લાન હેઠળ 150 ટ્રેનોને 100 જેટલા રૂટ પર ચલાવવામાં આવશે. રેલ મંત્રાલય આ પ્લાનને કાર્યાન્વિત કરવા માટે કામ કરી રહી છે. પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે હરાજી પ્રક્રિયા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારતની સૌથી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ છે જેને હાલમાં જ લીલી ઝંડી આપવામાં આવી. ખાનગી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ પ્રથમ ટ્રેન છે.
તેજસ પછી હવે રેલવે મંત્રાલય 150 ટ્રેન અને 50 સ્ટેશનોનું ખાનગીકરણ કરવાની તૈયારીમાં છે. રેલવે મંત્રી અને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત વચ્ચે વાતચીત પછી રેલવે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. રેલવે મંત્રી સાથેની બેઠક પછી નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવને પત્ર લખ્યો હતો, જેના અનુસાર એ નક્કી થયું કે, પ્રથમ તબક્કામાં 150 ટ્રેનોના પરિચાલનનું કામ ખાનગી ઓપરેટરોને આપવામાં આવશે. રેલવેના 100 રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડાવવા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કંપની પણ રસ દાખવી શકશે જે કંપનીને ટુરીસ્ટ અને રેલવે સેકટરનો અનુભવ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
પત્રમાં આગળ લખ્યું છે કે, પંસદગી કરેલા 400 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાના હતા પણ અનેક વર્ષોના પ્રયાસો છતા પણ એ થઈ શક્યું નહીં, માત્ર અમુક મામલાઓને છોડીને જ્યાં ઈપીસી મોડ મારફતે કામ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નિર્ધારિત સમય પર ન પહોંચી તો તેમાં પ્રવાસ કરનાર મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. જેમાં નિયમ અનુસાર જો ટ્રેન એક કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરને 100 રૂપિયા અને બે કલાકથી વધુ મોડી પડશે તો 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. એટલું જ નહીં આ ટ્રેનમાં યાત્રા કરનાર મુસાફરોને 25 લાખ રૂપિયાનું વિમા કવચ પણ આપવામાં આવશે. આ ઉપરાંત જો યાત્રા દરમ્યાન લૂંટફાટ કે સામાન ચોરીની ઘટના પર એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે.