નવી દિલ્હી- ભારતની 5 લાખ કરોડની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય પડકારજનક છે, પણ આપણે સાથે મળીને તેને પુરુ કરીશું, એમ પીએમ મોદીએ નીતિ આયોગની બેઠકમાં તેમના સંબોધનમાં કહ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નીતિ આયોગની 5મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનારી આ બેઠકમાં રાજ્યોના મુખ્યપ્રધાનો, સંઘ શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારી ભાગ લઇ રહ્યાં છે. નરેન્દ્ર મોદીની નવી સરકારમાં આ ગવર્નિંગ કાઉન્સિલની પહેલી બેઠક છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ બેઠકમાં સામેલ થવાથી ઇન્કાર કર્યો છે. મમતાનું કહેવું છે કે, નીતિ આયોગ પાસે રાજ્યોની યોજનાઓના સમર્થન માટે નાણાકીય અધિકાર નથી, એવામાં આ રીતની બેઠકની કવાયત બેકાર છે.
આ બેઠકમાં દુષ્કાળની સ્થિતિ, કૃષિ ક્ષેત્રના સંકટ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ અને ખરીફ પાક માટે તૈયારીઓના મુદ્દા પર વિચાર વિમર્શ કરશે. સત્તાવાર નિવેદન અનુસાર, બેઠકના પાંચ મુદ્દા એજન્ડામાં મહત્વાકાંક્ષી જિલ્લા કાર્યક્રમ, કૃષિમાં ફેરફાર અને સુરક્ષા સંબંધિત મુદ્દા પણ સામેલ છે. બેઠકમાં ખાસ કરીને નક્સલ પ્રભાવિત જિલ્લાઓ પર વિચાર વિમર્શ થશે.વડાપ્રધાનની આગેવાનીમાં ગર્વર્નિંગ કાઉન્સિલના સભ્યોમાં નાણાં, ગૃહ, રક્ષા, કૃષિ, વાણિજ્ય અને ગ્રામિણ વિકાસ પ્રધાનો ઉપરાંત રાજ્યોના મુખ્યપ્રધાનો, નીતિ આયોગના ઉપાધ્યક્ષ અને મુખ્ય કારોબારી અધિકારી સામેલ છે. ગર્વનિંગ કાઉન્સિલની બેઠકમાં આગાઉ થયેલી બેઠક પર થયેલી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવે છે અને સાથે જ ભવિષ્યની વિકાસથી સંબંધિત પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં ગર્વર્નિંગ કાઉન્સિલની 4 બેઠક થઇ ગઇ છે.