પટણાઃ દેશમાં બોલીવુડ કલાકારો અને ખેલાડીઓને તો ભગવાનની જેમ પૂજવામાં આવતા હોય તેના ઉદાહરણો છે. પરંતુ શું આપ જાણો છો કે બિહારના એક ગામમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પૂજા કરવામાં આવે છે? અહીંયા તેમનું મંદિર બનાવીને તેમાં તેમની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ગ્રામજનો માટે વડાપ્રધાન વિકાસના દેવતા છે. વડાપ્રધાન મોદીના જન્મ દિવસે આ મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવે છે.
બિહારના કટિહાર સ્થિત આઝમનગર પ્રખંડમાં એક ગામ આવેલું છે જેનું નામ સિંધારોલ છે. આશરે 200 ઘર ધરાવતું આ ગામ આઝાદી બાદ 67 વર્ષ સુધી મુખ્યધારાથી દૂર રહ્યું. જ્યારે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીની સરકાર બની ત્યારે વિકાસના રસ્તા ખુલ્યા. પ્રધાનમંત્રી સકડ યોજના અંતર્ગત અહીંયા રોડ બન્યા, ગામમાં વિજળી આવી, ધીરે-ધીરે કરીને ગામ વિકાસના રસ્તા પર આગળ વધ્યું. ગ્રામીણોએ આનો શ્રેય વડાપ્રધાન મોદીની નીતિઓને આપ્યો તેમજ તેમને વિકાસના દેવતા માનવા લાગ્યા.
ગામના વિકાસથી ઉત્સાહિત લોકોએ ત્યાં એક ચોકનું નામ મોદી ચોક પણ રાખ્યું છે. પછી ત્યાં જ મંદિર બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. ગ્રામીણોએ નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવી અને ગામના હનુમાનજી મંદિરમાં સ્થાપિત કરી દીધી. ત્યાર બાદ પૂજા પણ શરુ કરી દેવામાં આવી.
ગામના આગેવાન લલન વિશ્વાસે કહ્યું કે ગામના લોકોની વડાપ્રધાન મોદી પ્રત્યે વિશેષ આસ્થા છે. મંગળવારના રોજ અહીંયાના લોકોએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસને ધામધુમથી ઉજવ્યો. મંદીરને ખાસ ફુગ્ગાઓથી શણગારવામાં આવ્યું અને શંખનાદ વચ્ચે પૂજા પણ કરવામાં આવી. સાથે જ કેક કટિંગ પણ કરવામાં આવ્યું. લોકોએ એકબીજાને મીઠાઈઓ ખવડાવીને વડાપ્રધાન મોદીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી. ગામના આગેવાન લલન વિશ્વાસે કહ્યું કે આ ગ્રામીણોની પોતાની આસ્થા સાથે જોડાયેલો મામલો છે.