નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી 74મા સ્વતંત્રતાના દિવસ સતત સાતમી વાર દેશને સંબોધન કર્યું હતું. તેમણે શરૂઆત સ્વતંત્રતાસેનાનીઓને નમન કરતાં કરી હતી. તેમણે કોરોના વોરિયર્સને નમન કરતાં કહ્યું હતું કે આ કોરોના કાળમાં કેટલાય પરિવાર પ્રભાવિત થયા છે.તેમણે ભાષણમાં સ્વતંત્રતા સંગ્રામથી માંડીને કોરોના સંકટ અને આત્મનિર્ભર ભારત સુધી આહવાન કર્યું હતું.
4000 લોકો આમંત્રિત
વડા પ્રધાને આ પહેલાં રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. કોરોના રોગચાળા વચ્ચે લાલ કિલ્લા પર આયોજિત થનારા સ્વાતંત્ર્ય સમારંભમાં 4000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યઆ હતા, જેમાં અધિકારી, રાજદ્વારીઓ અને પત્રકારો સહિત અનેક મહાનુભાવો સામેલ હતા. આ સમારંભ માટે સુરક્ષાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું હતું.
જેણે આંખ દેખાડી, એને જવાબ મળ્યો
વડા પ્રધાને લાલ કિલ્લાથી રાષ્ટ્રને સંબોધિત કરતાં પાકિસ્તાન અને ચીનને ઠમઠોર્યું હતું. તેમણે કહ્યું હતું કે LOCથી માંડીને LAC સુધી જેણે આંખ બતાવી સેનાના જવાનો એની ભાષામાં જવાબ આપ્યો હતો.
કોરોના વેક્સિન પર કામ જારી
તેમણે કહ્યું હતું કે કોરોના વાઇરસની એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગના તબક્કામાં છે. વૈજ્ઞાનિકોને લીલી ઝંડી મળશે. દેશ આ વેક્સિનનું મોટા પાયે ઉત્પાદનની પણ તૈયારી છે. દેશના દરેક જરૂરતમંદ સુધી વેક્સિન પહોંચાડવાની રૂપરેખા તૈયાર છે.
વડા પ્રધાન મોદીના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ હતા.
- વડા પ્રધાને લાલ કિલ્લા પર બધા અતિથિઓનું સ્વાગત કર્યું હતું. આ વખતે વડા પ્રધાનનું ભાષણ 1.30 કલાક ચાલ્યું હતું.
- ભારતે અસાધારણ સમયમાં અસંભવને સંભવ કર્યું છે.
- દેશમાં 1300 જેટલા ટાપુઓ છે. એમાંથી કેટલાક ટાપુના વિકાસની યોજના શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે.આગામી 1000 દિવસમાં લક્ષદ્વીપને સબમરીન ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડી દેવામાં આવશે.
- સાઇબર સ્પેસ પર અમારી નિર્ભરતા સતત વધતી રહેશે
- અમે નક્કી કર્યું છે કે છ લાખથી વધુ ગામડાંને ઓપ્ટલ ફાઇબર પહોંચાડવામાં આવશે. જોકે દોઢ લાખ ગામોમાં ઓપ્ટિકલ ફાઇબર પહોંચી ચૂક્યું છે.
- ગામોની ડિજિટલ ઇન્ડિયામાં ભાગીદારી અનિવાર્ય બની ગઈ છે.
- દેશની પ્રગતિમાં નવી શિક્ષણ નીતિની મહત્ત્વની ભૂમિકા
- ઇનોવેશન પર ભાર આપવો બહુ જરૂરી છે.
- કો-ઓપરેટિવ બેન્કોને રિઝર્વ બેન્કથી જોડીને તેમના નાણાં સુરક્ષિત કર્યાં છે.
- 80 કરોડ લોકોને અનાજ આપવામાં આવ્યું છે.
- નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજના પર 110 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
- મેક ઇન ઇન્ડિયાની સાથે હવે મેક ફોર વર્લ્ડ માટે કામ કરવાનું છે.
- કોરોનાના આ અસાધારણ સમયમાં સેવા પરમો ધર્મની ભાવનાની સાથે જીવનની પરવા કર્યા વિના ડોક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ કર્મચારી, સફાઈ કર્મચારી, પોલીસ કર્મચારી, સફાઈ કર્મચારી, 24 કલાક અવિરત કામ કરી રહ્યા છે.
- તેમણે કહ્યું હતું કે વિસ્તારવાદી વિચારધારાએ કેટલાક દેશોને ગુલામ જ નથી બનાવ્યા, ભીષણ યુદ્ધો અને ભયાનકતાની વચ્ચે છોડી દીધા છે, પણ ભારતે આઝાદીના જંગમાં ક્યારેય ઓછપ નથી આવવા દીધી.
- આત્મનિર્ભર ભારતની ચર્ચા કરતાં તેમણે કહ્યું હતું કે ક્યાં સુધી દેશમાંથી ગયેલા કાચા માલ, ફિનિશ્ડ પ્રોડક્ટ બનીને ભારત પરત ફરશે. આપણી કૃષિ વ્યવસ્થા હજી ગણી પછાત છે. આત્મનિર્ભર ભારતનો અર્થ આયાતમાં ઘટાડો કરવાનો નહીં, પણ અમારી ક્ષમતા, અમારી રચનાત્મકતા અને અમારી કુશળતા વધારવાની છે.
- કેટલાક મહિના પહેલા N-95 માસ્ક, PPE કિટ, વેન્ટિલેટર વિદેશી આયાત થતી હતી, આજે ભારત પોતાની જરૂરિયાત પૂરી કરી રહ્યો છે અને અન્ય દેશોની મદદ માટે આ બધાં ઉત્પાદનોની સહાય કરી રહ્યો છે.
- દેશમાં ગરીબોના જનધન ખાતાંઓમાં હજારો-લાખો કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર થયા છે
- ખેડૂતાની સુવિધા માટે APMC એક્ટમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
- વન નેશન-વન ટેક્સ ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કાયદા, બેન્કોના મર્જર કરવામાં આવ્યાં છે. FDIમાં બધા રેકોર્ડ તૂટ્યા છે. હાલમાં FDIમાં 18 ટકાનો વધારો થયો છે.
- હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં Silosને ખતમ કરવાનો યુગ આવી ગયો છે. આ માટે દેશમાં Multi-Modal Connectivity Infrastructureને જોડવાની એક બહુ મોટી યોજના તૈયાર કરવામાં આવી છે.
- આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે सामर्थ्य्मूलं स्वातन्त्र्यं, श्रममूलं च वैभवम्।। કોઈ સમાજ, કોઈ પણ રાષ્ટ્રની સ્વતંત્ર્યતાનો સ્રોત એનું સામર્થ્ય હોય છે. એનો વૈભવ, ઉન્નતિ પ્રગતિનો સ્રોત એની શ્રમ શક્તિ હોય છે.
- ખેડૂતો અને ગ્રામીણ ઉદ્યોગને સશક્ત કરવાની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે કિસાન ઉત્પાદકક સંઘ બનાવવાના પ્રયાસો કર્યા છે. એ ઇકોનોમિક બુસ્ટરનું કામ કરશે.
- જળજીવન મિશન હેઠળ હવે પ્રતિ દિન એક લાખથી વધુ ઘરોમાં પાણીનાં કનેક્શનને જોડવાની સફળતા મળી રહી છે.
- દેશમાં મહિલાઓ અન્ડરગ્રાઉન્ડ કોલસાની ખાણોમાં કામ કરી રહી છે. તેઓ લડાકુ વિમાનોથી આકાશને આંબી રહી છે. દેશમાં 40 કરોડ જનધન ખાતાં ખૂલ્યાં છે, તેમાં આશરે 22 લાખ કરોડ ખાતાં મહિલાઓનાં છે. છેલ્લા ત્રણ મહિનામાં મહિલાઓનાં ખાતાંઓમાં આશરે 30,000 કરોડ રૂપિયા સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
- તેમણે સંબોધન પૂરું કર્યા પછી NCC કેડેટ્સનું અભિવાદન કર્યું હતું.
|