નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 25 સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસમિતિ (UNGA)ના 76મા સત્રને સંબોધિત કરશે. એ પહેલાં, 24 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન વોશિંગ્ટન ડી.સી.સ્થિત વ્હાઈટ હાઉસમાં Quad (ક્વૉડ્રિલેટરલ ફ્રેમવર્ક) શિખર સંમેલનનું આયોજન કરવાના છે અને આમંત્રણને વડા પ્રધાન મોદી એમાં હાજર રહેશે. ક્વૉડ્રિલેટરલ સિક્યુરિટી ડાયલોગ (QSD – Quad) ગ્રુપ ચાર દેશોનું છે – અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા.
UNGA સત્રમાં 100થી વધારે દેશોના નેતાઓ વ્યક્તિગત રીતે હાજર રહેવાનાં છે. Quad શિખર સંમેલનમાં જાપાનના વડા પ્રધાન યોશિહીદે સુગા, ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસન પણ હાજર રહેશે. 2004માં હિંદ મહાસાગરમાં સુનામી આફત આવ્યા બાદ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ સમુદ્રી સુરક્ષાના હેતુસર Quad ગ્રુપની રચના કરી હતી.