નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના સમર્થનમાં ટ્વિટર કેમ્પનની શરૂઆત કરી છે. પોતાના ટ્વીટર એકાઉન્ટ Narendramodi_in પરથી #IndiaSupportsCAA હેશટેગ સાથે લખ્યું છે કે, ભારત સીએએનું સમર્થન કરે છે. કારણકે સીએએ અત્યાચારનો શિકાર થયેલા શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે ન કે કોઈને નાગરિકતાથી દૂર કરવા. વધુમાં પીએમ મોદીએ લખ્યું કે, નમો એપ પર સીએએ સાથે જોડાયેલા ઘણાં દસ્તાવેજ, વીડિયો અને કન્ટેન્ટ છે. તમે સીએએના સમર્થનમાં ઝૂંબેશ શરૂ કરો.
આ ઉપરાંત વડાપ્રધાને @narendramodi ટ્વીટર એકાઉન્ટ પર સદગુરુનો એક વીડિયો શેર કરીને લખ્યું છે કે, તમે સદગુરુ પાસેથી સીએએ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ વિશે વિસ્તારથી સાંભળો. પીએમ મોદીએ કહ્યું, સદગુરુએ આમાં ઐતિહાસિક સંદર્ભો, ભાઈચારાની આપણી સંસ્કૃતિ વિશે વિસ્તારથી માહિતી આપી છે. તેમણે સ્વાર્થી સમૂહો દ્વારા ખોટી રીતે ફેલાવવામાં આવતી માહિતી વિશે પણ જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપે ગત સપ્તાહે જ રાજધાની દિહીમાં આભાર રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને પીએમ મોદીએ નાગરિકતા કાયદા મુદ્દે પ્રથમ વખત પોતાનું મૌન તોડતા કહ્યું કે, જો તમને હું પસંદ નથી તો, મોદીથી નફરત છે, તો મોદીના પુતળાને જૂતા મારો, મોદીના પુતળા સળગાવો પણ કોઈની સંપત્તિને નુકસાન ન પહોંચાડો. તમામ ગુસ્સો મોદી પર કાઢો. હિંસા કરીને તમને શું મળશે. કેટલાકો લોકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસવાળા કોઈના દુશ્મન નથી હોતા આઝાદી પછી 33 હજાર પોલીસ જવાનોએ દેશામાં શાંતિ અને સુરક્ષા માટે શહીદ થયા છે. આ આંકડો ઓછો નથી.