નવી દિલ્હી- વડાપ્રધાન મોદી સોશિઅલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તેમની દિનચર્યા અને કામકાજનો અંદાજ તેમના ટ્વીટર, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી લગાવી શકાય છે. જેમાં આજે વડાપ્રધાન મોદીએ એક નાના બાળક સાથેની તસવીર શેર કરી છે. પીએમ મોદીએ તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીર શેર કરી અને તેના કેપ્શનમાં લખ્યું છે કે, આજે સંસદમાં મને મળવા માટે એક ખાસ મિત્ર આવ્યો છે.આ સંદર્ભે ઓમર અબ્દુલ્લાએ પણ અલગ અંદાજમાં પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.
મોદીએ બે તસવીરો પોસ્ટ કરી છે, પ્રથમ તસવીરમાં તે બાળકને તેડીને રમાડતા નજરે પડે છે, તો બીજા ફોટામાં ખોળામાં બેસેલું બાળક પીએમના ટેબલ પર રાખેલી ચોકલેટને જોઈને ઉત્સાહિત થઈ રહ્યું છે.
સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર તસવીરમાં વડાપ્રધાન મોદીના ખોળામાં નજરે પડતું બાળક ભાજપ સાંસદ સત્યનારાયણ જતિયાનો પૌત્ર છે.
તો બીજી તરફ જમ્મુ-કશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીની આ તસવીરને લઈને ટીકા કરી છે. ઓમર અબ્દુલ્લાએ એ જ તસવીરને ટ્વીટ કરીને લખ્યું કે, સુંદર તસવીર, એક તરફ રાજકીય દળ પીએમ મોદી પાસે મધ્યસ્થતા અંગે થઈ રહેલા શોર શરાબા માટે સફાઈ માંગી રહ્યા છે, ત્યારે પીએમ મોદી આવી તસવીર શેર કરીને દર્શાવી રહ્યાં છે કે, તે એમની માંગણીઓ અંગે શું વિચારે છે.
આ પ્રથમ ઘટના નથી કે જ્યારે વડાપ્રધાન મોદીએ બાળકો સાથે તસવીર શેર કરી હોય. તેમના વિદેશ પ્રવાસ દરમિયાન પણ તે ઘણી વખત નાના બાળકો સાથે રમતા જોવા મળ્યા છે. આ ઉપરાંત દેશમાં અનેક મોટા આયોજનો દરમિયાન પણ પીએમ મોદી સુરક્ષાની ચિંતા કર્યા વગર તેમના પ્રશંસકો પાસે પહોંચી જાય છે, અને તેમના પ્રત્યે પ્રેમ અને પ્રીતી દાખવતા જોવા મળ્યાં છે.