તો હવે વ્હાઈટ હાઉસ પણ ‘નરેન્દ્ર મોદી’ને ફોલો કરે છે!

નવી દિલ્હી: કોરોના વિરુદ્ધની જંગમાં જ્યારે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસને ભારત તરફથી પરવાનગી મળી ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ભારોભાર વખાણ કર્યા રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મહાન નેતા ગણાવતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા માટે વડાપ્રધાન મોદીનું મહત્વ કેટલું છે તેનો અંદાજ વ્હાઈટ હાઉસના ટ્વીટર એકાઉન્ટ પરથી લગાવી શકાય છે. વ્હાઈટ હાઉસે પહેલી વખત વિશ્વના કોઈ નેતાના વ્યક્તિગત એકાઉન્ટને ફોલો કર્યું છે.

વ્હાઈટ હાઉસ કુલ 19 લોકોના ટ્વીટર એકાઉન્ટને ફોલો કરે છે. વ્હાઈટ હાઉસ ભારતમાંથી માત્ર પીએમઓ (પ્રધાનમંત્રી કાર્યાલય) અને રાષ્ટ્રપતિના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું હતું. હવે આ યાદીમાં મોદીનું ટ્વિટર એકાઉન્ટ ઉમેરાયું છે. મોદીનું ટ્વિટર હેન્ડલ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ માઈક પેન્સ પછી બીજા નંબરે છે. ત્યાર પછી ભારતના પીએમઓ અને પ્રેસિડેન્ટનું ઓફિશિયલ એકાઉન્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ દ્વારા ફોલો કરનારા દુનિયાના એકમાત્ર નેતા બન્યા છે.

મહત્વનું છે કે, સમગ્ર વિશ્વ અત્યારે કોરોના સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારતે અમેરિકા અને બ્રિટન જેવી મહાસત્તાઓ સહિત દુનિયાના અનેક દેશો માટે મદદનો હાથ લંબાવ્યો હતો અને જે ભારત જે દેશોની મદદમાં આવ્યું છે તેવા દેશો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. વ્હાઈટ હાઉસ દ્વારા વિકસિત અને વિકાસશીલ દેશોના નેતાઓમાંથી ફક્ત વડાપ્રધાન મોદીને જ ફોલો કરવામાં આવ્યા છે. આ વાત જાણીને વિશ્વના ખૂણે-ખૂણે વસતા ભારતીયો આ જાણીને ગર્વ અનુભવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા સપ્લાય કરવા બદલ પીએમ મોદીનો આભાર માનીને એમ પણ કહ્યુ હતુ કે, અમેરિકા આ મદદ નહી ભુલે.